H1B Visa: ભારતીય IT સેક્ટર માટે GOOD NEWS; H-1B વીઝા પર 1 લાખ ડોલર ફીના ટ્રમ્પના નિર્ણયને કોર્ટે ફગાવ્યો



H1B Visa: ભારતીય IT સેક્ટર માટે GOOD NEWS; H-1B વીઝા પર 1 લાખ ડોલર ફીના ટ્રમ્પના નિર્ણયને કોર્ટે ફગાવ્યો



અમેરિકા: અમેરિકામાં નોકરી કરવાનું અને સ્થાયી થવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને આઈટી સેક્ટર માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા પ્રસ્તાવિત H-1B વીઝા પર 1 લાખ ડોલર (આશરે 85 લાખ રૂપિયા)ની વધારાની ફી વસૂલવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. કોર્ટે ટ્રમ્પ સરકારને મોટો ઝટકો આપતા સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ પાસે આવી ફી વસૂલવાનો કોઈ કાનૂની અધિકાર નથી.
કોર્ટે ચુકાદામાં શું કહ્યું?
અમેરિકી અદાલતે તેના આદેશમાં જણાવ્યું હતું કે, ફેડરલ કાયદા (Federal Law) હેઠળ રાષ્ટ્રપતિ કે તેમનું વહીવટીતંત્ર મનસ્વી રીતે આટલી મોટી રકમની ફી લાદી શકે નહીં. આ પ્રકારનો નિર્ણય લેવા માટે યુએસ કોંગ્રેસ (અમેરિકી સંસદ)ની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. કોર્ટે આ પ્રસ્તાવિત ફીની પ્રક્રિયાને કાયદાકીય પ્રક્રિયાના ઉલ્લંઘન સમાન ગણાવીને ગેરકાનૂની જાહેર કરી દીધી છે.
ટ્રમ્પ પ્રશાસનની શું હતી દલીલ?
ડોનાલ્ડ ટ્રમ્પ સરકારનું માનવું હતું કે H-1B વીઝા પર આકરો ટેક્સ કે ભારે ફી લગાવવાથી અમેરિકી કંપનીઓ વિદેશી કર્મચારીઓ પરની નિર્ભરતા ઓછી કરશે. જેના કારણે સ્થાનિક અમેરિકનોને રોજગારીની વધુ તકો મળશે. જો કે, અમેરિકાના ઉદ્યોગ જગત, મોટી ટેક કંપનીઓ અને અગ્રણી રાજ્યોએ આ આકરા પ્રસ્તાવનો ભારે વિરોધ કર્યો હતો.
ભારતીયોને કેમ મળી મોટી રાહત?
H-1B વીઝા એ અમેરિકામાં ટેકનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં કુશળ વિદેશી કર્મચારીઓને રાખવા માટેની સૌથી લોકપ્રિય વીઝા શ્રેણી છે. દર વર્ષે જાહેર થતા કુલ H-1B વીઝામાં સૌથી મોટો હિસ્સો ભારતીય આઈટી પ્રોફેશનલ્સનો હોય છે.
જો આ 1 લાખ ડોલરની ફી લાગુ થઈ ગઈ હોત, તો અમેરિકી કંપનીઓ માટે ભારતીય કર્મચારીઓની ભરતી કરવી ખૂબ જ મોંઘી સાબિત થઈ હોત. કંપનીઓએ ચેતવણી પણ આપી હતી કે આનાથી રિસર્ચ અને ઈનોવેશનને મોટું નુકસાન થશે. જો કે, નિષ્ણાતોના મતે આ મામલો હજી પુરો નથી થયો અને ટ્રમ્પ પ્રશાસન આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારી શકે છે. પરંતુ હાલ પૂરતો તો ભારતીય આઈટી ક્ષેત્ર અને વીઝા અરજદારોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



