વિયેતનામમાં પ્રવાસીઓની બોટ પલટી: ભારતીયો સહિત 15નાં મોત, 21ને બચાવાયા


વિયેતનામમાં પ્રવાસીઓની બોટ પલટી: ભારતીયો સહિત 15નાં મોત, 21ને બચાવાયા


વિયેતનામ: વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક શનિવારે મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક બોટ દરિયામાં પલટી જતાં ભારતીયો સહિત 15 લોકોનાં મોત થયાના અહેવાલ છે. બોટમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ સવાર હતા, જેમાં મોટાભાગના તેલંગાણા અને આંધ્રપ્રદેશના હોવાનું સામે આવ્યું છે.
અહેવાલો અનુસાર, બોટમાં કુલ 36 લોકો સવાર હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, તેમાં 32 ભારતીય નાગરિકો હતા. દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ગુમ થયેલા પ્રવાસીઓની શોધખોળ માટે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
ટાપુ ફરવા જતા સમયે બોટ પલટી
બોટ ભારતીય પ્રવાસીઓને ફુ ક્વોક નજીક આવેલા હોન મે રુટ ન્ગોઆઈ ટાપુ પર ફરવા લઈ જઈ રહી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સવારે લગભગ 10:30 વાગ્યે કિનારાથી આશરે 400 મીટર દૂર બોટ અચાનક પલટી ગઈ હતી.
ઘટના બાદ દરિયામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
CPR આપી પ્રવાસીઓના જીવ બચાવવાના પ્રયાસ
દુર્ઘટનાની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. ઘટનાસ્થળે હાજર લોકોએ દરિયામાંથી બહાર કાઢવામાં આવેલા પ્રવાસીઓને CPR આપી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. રેસ્ક્યૂ ટીમો દ્વારા બોટ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાં સતત શોધખોળ કરવામાં આવી રહી છે.
હોન મે રુટ ન્ગોઆઈ ટાપુ સ્વચ્છ સમુદ્ર, નાના દરિયાકિનારા અને કોરલ રીફ ડાઇવિંગ માટે પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. પ્રવાસીઓ સામાન્ય રીતે એન થોઈ બંદરેથી બોટ અથવા સ્પીડબોટ મારફતે અહીં પહોંચે છે.
ભારતીય દૂતાવાસે બનાવ્યો કંટ્રોલ રૂમ
દુર્ઘટના બાદ ભારતીય દૂતાવાસ પણ સક્રિય બન્યો છે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ અને હો ચી મિન્હ સિટી ખાતેના ભારતીય મિશન દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
ભારતીય મિશન સ્થાનિક પ્રશાસન અને રાહત એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. અસરગ્રસ્ત ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
દૂતાવાસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના અંગેની સંપૂર્ણ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. બીજી તરફ સ્થાનિક પ્રશાસન અને બચાવ એજન્સીઓ દ્વારા ગુમ થયેલા લોકોની શોધ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.




