વડોદરાના સયાજી બાગમાં બનશે મગરના આકારનો અનોખો ફૂટબ્રિજ



ફાઈલ ફોટો
વડોદરાના સયાજી બાગમાં બનશે મગરના આકારનો અનોખો ફૂટબ્રિજ



ફાઈલ ફોટો
વડોદરા વડોદરા શહેરને ટૂંક સમયમાં વધુ એક અનોખું પર્યટન આકર્ષણ મળવા જઈ રહ્યું છે. શહેરની ઓળખ સમાન વિશ્વામિત્રી નદી અને તેમાં વસતા મગરોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા સયાજી બાગ (કામતી બાગ) ખાતે મગરના આકારનો પદયાત્રી બ્રિજ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ બ્રિજ હાલ નદી પર આવેલા જૂના અને જર્જરિત બ્રિજનું સ્થાન લેશે.
આ પ્રસ્તાવિત બ્રિજની સૌથી મોટી વિશેષતા તેની અનોખી ડિઝાઇન હશે. 57 મીટર લાંબા આ બ્રિજ પરથી પસાર થતા પ્રવાસીઓને એવું અનુભવાશે કે તેઓ વિશાળ મગરના ખુલ્લા મોઢામાંથી પસાર થઈ રહ્યા છે. આ ડિઝાઇન શહેરના પર્યટનને નવી ઓળખ આપવાની સાથે મુલાકાતીઓ માટે યાદગાર અનુભવ સર્જશે.
VMC દ્વારા રજૂ કરાયેલા કોન્સેપ્ટ ડિઝાઇન મુજબ બ્રિજ 57 મીટર લાંબો અને 7.80 મીટર પહોળો હશે. બ્રિજ પર પ્રવાસીઓ માટે મધ્યભાગમાં વોક-વે તેમજ 3 મીટર પહોળો ડેડિકેટેડ સાઇકલ ટ્રેક પણ બનાવવામાં આવશે, જેથી લોકો ચાલવાની સાથે સાઇકલિંગનો આનંદ પણ માણી શકે.
આ ઉપરાંત બ્રિજને રાત્રિના સમયે આકર્ષક દેખાવ આપવા માટે અદ્યતન LED લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ લાઇટિંગના કારણે રાત્રે બ્રિજનું સૌંદર્ય વધુ નિખરશે અને પ્રવાસીઓને મનમોહક નજારો જોવા મળશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાનારી આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો અંદાજિત ખર્ચ ₹11.25 કરોડ નક્કી કરવામાં આવ્યો છે. શહેરની આગવી ઓળખને પ્રોત્સાહન આપતી આ યોજના પૂર્ણ થયા બાદ સયાજી બાગ અને વિશ્વામિત્રી નદી વિસ્તાર વધુ એક મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્ર તરીકે વિકસે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




