રોકાણકારોના વિશ્વાસથી ગુજરાત વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બન્યું: કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર



રોકાણકારોના વિશ્વાસથી ગુજરાત વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બન્યું: કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર



Mahoharlal Khattar Speech: કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે, કોઈપણ રોકાણકાર રોકાણ કરતા પહેલાં સૌથી પહેલા એ વિચારે છે કે જ્યાં તે રોકાણ કરવા જઈ રહ્યો છે તે સ્થળ તેના ઉદ્યોગના વિકાસ માટે કેટલું અનુકૂળ અને વિશ્વસનીય છે. સરકારની સ્થિર નીતિઓ, વિશ્વસનીય વીજ પુરવઠો, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોને અનુકૂળ વાતાવરણ રોકાણ માટે સૌથી મોટું પરિબળ છે. તેમણે જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ વિશ્વાસને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ગુજરાતની સૌથી મોટી તાકાત રોકાણકારોનો વિશ્વાસ છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે રાજ્યમાં પોલિસી સ્ટેબિલિટી, કુશળ વહીવટ અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. તેના પરિણામે ગુજરાત આજે વૈશ્વિક રોકાણ માટેનું અગ્રણી કેન્દ્ર બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત માત્ર એક સમિટ નથી, પરંતુ સરકાર અને ઉદ્યોગો વચ્ચે વિકાસની ભાગીદારીનું પ્રતિક છે અને આ જ વિચાર આજે ભારતની વિકાસયાત્રાનો આધાર બન્યો છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, વિશ્વસનીય વીજ પુરવઠો મજબૂત અર્થવ્યવસ્થાનો આધાર છે અને તેમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર છે. ઉદ્યોગો, MSME, ડેટા સેન્ટર, મેટ્રો રેલ અને નવી ટેક્નોલોજી માટે યોગ્ય વીજ વ્યવસ્થા જરૂરી છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે દેશમાં 271 ગીગાવોટની સર્વોચ્ચ વીજ માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે સરકાર 284 ગીગાવોટ સુધીની તૈયારી સાથે સજ્જ હતી. આગામી સમયમાં ડેટા સેન્ટર, ઇલેક્ટ્રિક વાહનો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને 300 ગીગાવોટ સુધીની ક્ષમતા માટે આયોજન કરવામાં આવ્યું છે.
મનોહર લાલ ખટ્ટરે વધુમાં જણાવ્યું કે, આજે ભારત 'વન નેશન, વન ગ્રીડ, વન ફ્રિક્વન્સી'ના સિદ્ધાંત પર ઊર્જા ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ભૂરાજકીય પડકારો વચ્ચે પણ ભારતે પોતાની ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા જાળવી રાખી છે.
ગુજરાતને પાવર સરપ્લસ રાજ્ય ગણાવતા તેમણે જણાવ્યું કે, રાજ્ય રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ગુજરાતમાં 50 ગીગાવોટથી વધુ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે જ રાજ્ય ગ્રીન મેન્યુફેક્ચરિંગ અને પર્યાવરણલક્ષી ઔદ્યોગિક વિકાસમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
શહેરી વિકાસ અંગે તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન આવાસ યોજના (અર્બન) અને પીએમએવાય 2.0 હેઠળ દેશમાં અત્યાર સુધી 1.27 કરોડથી વધુ આવાસોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 98.6 લાખ આવાસો પૂર્ણ કરીને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. ગુજરાતમાં પણ આ યોજના હેઠળ 11.5 લાખથી વધુ આવાસોને મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.




