સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ, 37,305 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત



VNSGU Convocation 2026
સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ, 37,305 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત



VNSGU Convocation 2026
VNSGU Convocation 2026: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કવિ વીર નર્મદની 193મી જન્મજયંતિના વિશેષ અવસરે યોજાયેલા આ સમારોહમાં 12 વિદ્યાશાખાના 92 અભ્યાસક્રમોના કુલ 37,305 વિદ્યાર્થીઓને મેડલ અને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત 93 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી.

વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદથી ભારતીય સંસ્કૃતિની ઝલક
પદવીદાન સમારોહની શરૂઆતમાં સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા શંખનાદ કરવામાં આવ્યો હતો. ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે તૈત્તિરીય ઉપનિષદના શ્લોકોનું ગાન કરી ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરુકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

યુવાનો દેશના ભવિષ્યના શિલ્પી: રાજ્યપાલ
સમારોહને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વિકસિત અને આત્મનિર્ભર ભારતનો માર્ગ યુવા પેઢીના સામર્થ્ય પર આધારિત છે. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ માત્ર વ્યક્તિગત સફળતા માટે નહીં પરંતુ લોકકલ્યાણ અને રાષ્ટ્રનિર્માણ માટે કરવા આહ્વાન કર્યું હતું. કવિ વીર નર્મદના જીવન અને તેમના સમાજસુધારક વિચારોનો ઉલ્લેખ કરતા રાજ્યપાલે યુવાનોને સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને અન્યાય સામે જાગૃત રહી પરિવર્તન લાવવાની પ્રેરણા આપી હતી.

વચન અને વર્તનમાં એકરૂપતા જાળવવા અપીલ
રાજ્યપાલે વિદ્યાર્થીઓને અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જાળવવા તેમજ વચન અને વર્તનમાં એકરૂપતા રાખવા જણાવ્યું હતું. તેમણે આધુનિકતાનો સાચો અર્થ સમજીને સત્ય અને સદાચાર સાથે જીવન જીવવા તથા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વકલ્યાણ માટે ઉપયોગી બનાવવાની અપીલ કરી હતી. સાથે જ સમાજમાં મહિલાઓની વધી રહેલી ભૂમિકા અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં તેમનું વધતું પ્રભુત્વ ઉન્નત સમાજની નિશાની હોવાનું તેમણે જણાવ્યું હતું.

‘જોબ સિકર નહીં, જોબ ગિવર બનો’
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન. ચાવડાએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વીર નર્મદના નામ સાથે જોડાયેલી પદવીનો ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠા સાથે ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. કુલપતિએ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્યોને જીવનમાં ઉતારવા તેમજ ‘જોબ સિકર નહીં, જોબ ગિવર’ બનવાની ક્ષમતા વિકસાવવા પ્રેરણા આપી હતી. તેમણે ‘નેશન ફર્સ્ટ’ની ભાવનાને કેન્દ્રમાં રાખીને જવાબદારીપૂર્વક આગળ વધવા પણ જણાવ્યું હતું.

37,305 ડિગ્રી હવે ડિજીલોકરમાં ઉપલબ્ધ થશે
આ પદવીદાન સમારોહની મહત્વપૂર્ણ વિશેષતા એ રહી કે એનાયત કરવામાં આવેલી તમામ 37,305 ડિગ્રીઓ ડિજીલોકરમાં ડિજિટલ રીતે ઉપલબ્ધ બનશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓને નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝિટ કરાવી હતી. વિદ્યાર્થીઓ પોતાના લોગિન આઈડી મારફતે ડિજિટલ ડિગ્રી એક્સેસ કરી શકશે. આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ, નોકરી અથવા અન્ય શૈક્ષણિક પ્રક્રિયા માટે ડિગ્રીનો ડિજિટલ ઉપયોગ કરવામાં સરળતા રહેશે.

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત
સમારોહમાં યુનિવર્સિટીના કુલસચિવ આર.સી. ગઢવી, પરીક્ષા નિયામક એ.વી. ધડૂક, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યો સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



