Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, 30 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા સહિત બે ઝડપાયા

Surat MD Drugs Racket: સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને પલસાણા નજીકથી આશરે રૂ.30 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની...
R Gajjar
R GajjarUpdated on: 24 Aug 2026 05:45 PM IST
સુરતમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, 30 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા સહિત બે ઝડપાયાસુરતમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, 30 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા સહિત બે ઝડપાયા

Surat MD Drugs Racket

Surat MD Drugs Racket: સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય SOGએ સંયુક્ત કાર્યવાહી કરીને પલસાણા નજીકથી આશરે રૂ.30 લાખના MD ડ્રગ્સ સાથે મહિલા સહિત બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્ક સાથે સંકળાયેલી કડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

977 ગ્રામથી વધુ MD ડ્રગ્સ ઝડપાયું

પોલીસ ટીમે પલસાણાના એના ગામ ટોલનાકા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રેડ કરી હતી. કાર્યવાહી દરમિયાન 977.61 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે MD ડ્રગ્સ સહિત કુલ રૂ.29.87 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર કાર્યવાહી બાદ બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

મુંબઈના બે શખ્સો ઝડપાયા

આ કાર્યવાહીમાં મુંબઈના માનસી અબ્દુલ સૈયદ અને સોહેલ સુલેમાન શેખ નામના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સ વડોદરા રેલવે સ્ટેશન પાસેથી મેળવ્યા બાદ મુંબઈમાં અલગ-અલગ પેડલરો સુધી પહોંચાડવાનું હોવાની માહિતી સામે આવી હોવાનું પોલીસનું કહેવું છે. આ મામલે ડ્રગ્સના સપ્લાય અને નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહિલા આરોપી અગાઉ પણ ડ્રગ્સ કેસમાં ઝડપાઈ ચૂકી હોવાનો દાવો

પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલી મહિલા માનસી અગાઉ મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કરી ચૂકી છે. વર્ષ 2021માં ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે પણ તેને આશરે 100 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડી હોવાની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં મહિલા આરોપીએ અગાઉ જેલવાસ પણ ભોગવ્યો હતો. તપાસ દરમિયાન નાના બાળકોના ડાયપરમાં MD ડ્રગ્સ છુપાવીને હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી પણ સામે આવી હોવાનું પોલીસનું કહેવું છે.

NDPS એક્ટ હેઠળ ગુનો, આંતરરાજ્ય કનેક્શનની તપાસ

આ સમગ્ર મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે ડ્રગ્સ ક્યાંથી મેળવવામાં આવ્યું હતું, મુંબઈમાં કોને સપ્લાય કરવાનું હતું અને આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે અંગે તપાસ કરી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય SOGની આ કાર્યવાહી બાદ ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્ક અંગે વધુ મહત્વની વિગતો સામે આવવાની શક્યતા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com