VGRC માત્ર રોકાણનું પ્લેટફોર્મ નહીં, સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક તકો સાથે જોડવાનું સશક્ત માધ્યમઃ CM ભૂપેન્દ્ર પટેલ



VGRC માત્ર રોકાણનું પ્લેટફોર્મ નહીં, સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક તકો સાથે જોડવાનું સશક્ત માધ્યમઃ CM ભૂપેન્દ્ર પટેલ



Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મધ્ય ગુજરાત વિસ્તારની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) નો વડોદરાથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી સોચ અને સમય કરતાં આગળનું વિચારીને તેનું ઈમ્પ્લીમેન્ટેશન કરવાની પ્રતિબદ્ધતાને કારણે ભારત દરેક ક્ષેત્રોમાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમની આ વિઝનરી લિડરશીપના કારણે દુનિયાના દેશો ભારત સાથે વિશ્વાસું મિત્રના ભાવથી જોડાયા છે અને વધુને વધુ દેશો જોડાઈ રહ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ સુશાસનમાં ભારતે અર્થતંત્ર, ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. એટલુ જ નહીં, તેમણે ઉદ્યોગોને રેડ ટેપિઝમમાંથી બહાર લાવી રેડ કાર્પેટથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને નવી દિશા આપી છે. તેને આગળ વધારતા રાજ્યના જિલ્લાઓના ઔદ્યોગિક અને સ્થાનિક વિકાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલની નેમ રિજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સીસથી પાર પડી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોને VGRCમાં થનારા ડિસ્કશનને ડિસિઝનમાં, આઈડિયાઝને પ્રોજેક્ટ્સમાં અને પ્રોજેક્ટ્સને પ્રોસ્પેરિટીમાં પરિવર્તિત કરવા સાથે મળીને આગળ વધવાનું આહવાન કર્યું હતું. તેમણે આ VGRC માત્ર રોકાણનું પ્લેટફોર્મ નહી પરંતુ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક તકો સાથે જોડવાનું સશક્ત માધ્યમ ગણાવી હતી. મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓને આવરી લેતી બે દિવસીય VGRCમાં રાજ્યના આ વિસ્તારોના ઔદ્યોગિક વિકાસના નવા અવસરો અને ભાગીદારીને મંચ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
VGRCને સંતુલિત વિકાસનું નવું મોડેલ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા બેલેન્સ્ડ ગ્રોથના વિચારને રાજ્ય સરકારે આગળ ધપાવ્યો છે. મહેસાણા, રાજકોટ અને સુરત એમ ત્રણ VGRCની સફળતા બાદ હવે, મધ્ય ગુજરાતમાં દ્વિ દિવસીય ચોથી VGRC યોજાઈ રહી છે. અત્યાર સુધી યોજાયેલી ત્રણ VGRCમાં કુલ 9,499 MoU દ્વારા અંદાજે રૂ. 13.30 લાખ કરોડના રોકાણો રાજ્યમાં આવ્યા છે તેમ તેમણે તેમણે ગૌરવસહ જણાવ્યું હતું.
મધ્ય ગુજરાતને રાજ્યના વિકાસનું હૃદય ગણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જેવા જિલ્લાઓ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ, ફાર્મા, એગ્રી ફૂડ પ્રોડક્ટ્સ અને MSME ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
વડોદરા પેટ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઈવી ઈક્વિપમેન્ટ અને ટાટા એરબસ C-295 જેવા એરોસ્પેસ પ્રોજેક્ટ્સના કારણે નવા ઉદ્યોગ ક્ષેત્રોમાં આગેવાની કરી રહ્યું છે. આણંદ દેશનું મિલ્ક કેપિટલ છે અને અમૂલ બ્રાન્ડ વિશ્વમાં ભારતની ઓળખ બની છે તેમજ ખેડા જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ અને MSME ક્ષેત્રે મોટી સંભાવનાઓ રહેલી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટની બે દાયકાની સફળતાથી ગુજરાત આજે ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બન્યુ છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે આવી બિઝનેસ સમિટ યોજવાનો વિચાર પણ કોઈ કરી શકતુ ન હોતું ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વભરના રોકાણકારો ગુજરાતમાં આવે તેવું સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત આજે બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે અને ઉદ્યોગોની ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ભાગીદારી મજબૂત બનાવવા તથા તેને વધુ ગતિ આપવા માટે રાજ્ય સરકારે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-2026 જાહેર કરી છે. આ પોલિસીમાં MSME, મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને નવા ઉદ્યોગ ક્ષેત્રો માટે અનેક ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇન્સેન્ટિવ્સનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રથમ વખત “ચૂઝ યોર ઇન્સેન્ટિવ્ઝ” જેવી નવી પહેલ આ પોલિસીમાં કરવામાં આવી છે, જેમાં ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ ઇન્સેન્ટિવ પસંદ કરી શકશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટની ઓળખ અપાવી છે. આજે ગુજરાત મજબૂત નીતિ માળખું, ગુડ ગવર્નન્સ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઝડપી નિર્ણય પ્રક્રિયાના કારણે અગ્રેસર બન્યું છે અને આપણે પોલિસી ડ્રિવન સ્ટેટથી વિકસિત ભારત બનવાની દિશા અપનાવી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાને આપેલા મેક ઈન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડ, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ભારત અને ગ્રીન ગ્રોથ જેવા અભિયાનો સાથે ગુજરાત નવી અર્થવ્યવસ્થાના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપી રહ્યું છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે ઉદ્યોગ, વેપાર, રોકાણ અને ઈનોવેશનની શક્તિ સાથે આગળ વધવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




