CM ભૂપેન્દ્ર પટેલનું કેનેડામાં ભવ્ય સ્વાગત, ગુજરાતમાં રોકાણ કરવા ગુજરાતી ઉદ્યોગસાહસિકોને અપીલ



Bhupendra Patel Canada Visit
CM ભૂપેન્દ્ર પટેલનું કેનેડામાં ભવ્ય સ્વાગત, ગુજરાતમાં રોકાણ કરવા ગુજરાતી ઉદ્યોગસાહસિકોને અપીલ



Bhupendra Patel Canada Visit
Bhupendra Patel Canada Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત પ્રતિનિધિમંડળ અમેરિકાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ રવિવારે કેનેડા પહોંચ્યું હતું. ટોરેન્ટો એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રીનું ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તથા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડા દ્વારા મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ડેલિગેશનના સન્માનમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

'જ્યાં વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતી'
સત્કાર સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે." તેમણે કેનેડામાં વસતા ગુજરાતી સમુદાયની મહેનત અને સફળતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે, ગુજરાતીઓએ પોતાની મહેનત અને સાહસથી કેનેડાના અર્થતંત્રમાં પણ મજબૂત યોગદાન આપ્યું છે.

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસની યાત્રાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, વર્ષ 1960માં મહારાષ્ટ્રથી અલગ રાજ્ય તરીકે ગુજરાતનું અસ્તિત્વ થયું ત્યારે રાજ્યમાં રોડ-રસ્તા, વીજળી અને પાણી જેવી પાયાની સુવિધાઓ પણ પૂરતી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે છેલ્લા બે દાયકામાં અવિરત વિકાસની યાત્રા કરી છે અને આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટા લક્ષ્યો સાથે ગુજરાતના વિકાસનો વિચાર આપ્યો હતો, જેના પરિણામે રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ઝડપી અને સર્વાંગી વિકાસ થયો છે.

ગુજરાતમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ
ગુજરાતના વર્તમાન વિકાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થઈ રહ્યા છે. સાથે જ વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાને કારણે રાજ્યમાં દેશ-વિદેશથી મોટા પાયે રોકાણ આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત અને વિકાસ હવે એકબીજાના પર્યાય બની ગયા છે અને રાજ્ય સતત નવા ક્ષેત્રોમાં આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે.

કેનેડાના ગુજરાતી ઉદ્યોગસાહસિકોને ગુજરાતમાં રોકાણનું આમંત્રણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેનેડાના અર્થતંત્રમાં ગુજરાતીઓના મજબૂત સહયોગ અને યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કેનેડામાં વસતા ગુજરાતી ઉદ્યોગસાહસિકોને જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા ગુજરાતમાં રોકાણ કરવા અપીલ કરી હતી. આ સાથે આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં કેનેડાના ગુજરાતી સમુદાયને જોડાવા માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું.

ગુજરાતીઓ પ્રત્યે વિશ્વમાં બદલાયો અભિગમ
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો અને ભારતના વધતા વૈશ્વિક પ્રભાવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, વડાપ્રધાનને વિવિધ દેશોમાં સર્વોચ્ચ સન્માન મળ્યું છે. તેમણે કહ્યું કે, ભારતના પાસપોર્ટની વેલ્યુ વધી છે અને વિશ્વમાં ભારતીયો તથા ગુજરાતીઓ પ્રત્યે જોવાનો અભિગમ પણ બદલાયો છે.

ગુજરાત ડેલિગેશન અને ગુજરાતી સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત
આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન, મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અગ્ર સચિવ રાજેન્દ્ર કુમાર અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિત ગુજરાત ડેલિગેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડાના સદસ્યો તથા ગુજરાતી સમુદાયના અગ્રણીઓ પણ સત્કાર સમારોહમાં જોડાયા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



