વડોદરા કોઠી ચાર રસ્તા પર પાણી લીકેજથી હજારો લીટર પીવાનું પાણી બગડ્યું



વડોદરા કોઠી ચાર રસ્તા પર પાણી લીકેજથી હજારો લીટર પીવાનું પાણી બગડ્યું



વડોદરા: એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની અછતની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરા શહેરમાં હજારો લીટર ચોખ્ખા પીવાના પાણીનો બગાડ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
શહેરના વ્યસ્ત કોઠી ચાર રસ્તા વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનના વાલ્વમાં અચાનક મોટું લીકેજ સર્જાતા ઊંચા ફુવારા સાથે પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. લીકેજ એટલું ગંભીર હતું કે થોડા જ સમયમાં સમગ્ર ચાર રસ્તો પાણીથી છલકાઈ ઉઠ્યો હતો.
આ ઘટનાના કારણે હજારો લીટર ચોખ્ખું પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું. પાણીના આ બગાડને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ રસ્તા પર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોએ તંત્ર સામે પાણીની લાઈનના સમયસર જાળવણી અને લીકેજની સમસ્યાઓને લઈને સવાલો ઉઠાવ્યા છે. ઘટના અંગે જાણ થતાં સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી લીકેજને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.




