વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત



વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત



વડોદરા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે શનિવારે દુખદ અકસ્માત સર્જાયો હતો. હાઇટેન્શન વીજલાઇન સંબંધિત કામગીરી દરમિયાન અચાનક વીજપોલ ધરાશાયી થઈ જતા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ શ્રમિકો હાઇટેન્શન લાઇન માટે કેબલ નાખવાની તેમજ વીજપોલ સંબંધિત કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક વીજપોલ તૂટી પડ્યો હતો. પોલની નીચે કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તેના કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ બચાવ ટીમને જાણ કરવામાં આવી હતી.
બચાવ કામગીરી હાથ ધરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહો તેમના પરિજનોને સોંપવામાં આવશે.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને શ્રમિકોના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
આ દુર્ઘટના બાદ વીજ વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા અપનાવવામાં આવતી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે સંબંધિત વિભાગો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




