વડોદરામાં મંદિરમાંથી મંગળસૂત્ર ચોરી કરતી બે મહિલાની ધરપકડ



વડોદરામાં મંદિરમાંથી મંગળસૂત્ર ચોરી કરતી બે મહિલાની ધરપકડ



વડોદરા: વડોદરાના અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા આવેલી એક મહિલાનું 6 તોલાનું સોનાનું મંગળસૂત્ર ચોરી થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. અટલાદરા પોલીસે મંદિરના CCTV ફૂટેજના આધારે કલાકોમાં જ બે મહિલાઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી હતી. બંને આરોપી અમદાવાદની દેવીપૂજક ગેંગ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ, ગઈકાલે એક મહિલા અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. દર્શન દરમિયાન તેમના ગળામાં અંદાજે 6 તોલાનું સોનાનું મંગળસૂત્ર હતું. દર્શન પૂર્ણ કર્યા બાદ મંદિર પરિસરમાં ફરતી વખતે તેમના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ મહિલાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે મંદિરના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બે મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને મહિલાઓને ઝડપી પાડી હતી.
પકડાયેલી મહિલાઓની ઓળખ અમદાવાદની રહેવાસી સુભદ્રા ઉર્ફે શોભા દંતાણી અને જ્યોતિ દંતાણી તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી ચોરાયેલું 6 તોલાનું મંગળસૂત્ર કબજે કરીને ફરિયાદીને પરત આપ્યું છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ તેઓ અન્ય કોઈ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.




