વડોદરામાં અકોટા વોર્ડ-12 પાસે વિશાળ ભૂવો પડ્યો, તંત્રની કામગીરી સામે સવાલો


વડોદરામાં અકોટા વોર્ડ-12 પાસે વિશાળ ભૂવો પડ્યો, તંત્રની કામગીરી સામે સવાલો


વડોદરા શહેરના અકોટા વોર્ડ નંબર-12 વિસ્તારમાં માધવબાગ ચાર રસ્તા નજીક રસ્તો ધસી પડતાં વિશાળ ભૂવો પડ્યો છે. અચાનક રસ્તો બેસી જતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, પાણીની લાઈન લીકેજના કારણે જમીનની અંદર પાણી ઉતરવાથી રસ્તો ધસી પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભૂવો પડવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં જ તંત્રની ટીમો સ્થળ પર પહોંચી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશાળ ભૂવાના વિસ્તારને કોર્ડન કરી અવરજવર બંધ કરવામાં આવી છે. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી રહી છે.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાની કામગીરી અને પાણીની લાઈનોના લીકેજ અંગે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે સવાલો કરવામાં આવ્યા છે.
સ્થાનિક નાગરિકોએ શહેરમાં રસ્તાઓની સ્થિતિ અને વારંવાર સર્જાતી આવી સમસ્યાઓ અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. આ દરમિયાન કમિશનરને ટકોર કરતા 'વોકીટોકી લઈને ફરો' તેવી ટિપ્પણી પણ સામે આવી છે.
હાલ તંત્ર દ્વારા સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ભૂવો પડવાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રસ્તાનું સમારકામ અને પાણીની લાઈનની સમસ્યાનું નિરાકરણ લાવ્યા બાદ જ આ માર્ગ પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે.




