વડોદરામાં સામાન્ય વરસાદે તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી, આજવા-નિમેટા રોડ પર બે ફૂટ પાણી ભરાયા



વડોદરામાં સામાન્ય વરસાદે તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી, આજવા-નિમેટા રોડ પર બે ફૂટ પાણી ભરાયા



વડોદરા: શહેરમાં પડેલા સામાન્ય વરસાદે જ વડોદરા મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન આયોજનની પોલ ખોલી નાખી છે. માત્ર દોઢથી પોણા બે ઇંચ વરસાદમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આજવા ચોકડીથી નિમેટા તરફ જતો અંદાજે દોઢ કિલોમીટરનો મુખ્ય માર્ગ બે ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ભારે પાણી ભરાવાના કારણે સયાજીપુરા ગામની આસપાસના વિસ્તારોમાં પણ પાણી જ પાણી જોવા મળ્યું હતું. નોકરી, ધંધા અને અભ્યાસ માટે નીકળેલા અનેક લોકો રસ્તા પર ભરાયેલા પાણીમાં અટવાઈ ગયા હતા અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
સ્થાનિકોએ સૌથી મોટો ખતરો ખુલ્લી પડેલી મુખ્ય કાંસને ગણાવ્યો છે. પાણી ભરાવાના કારણે કાંસ દેખાતી ન હોવાથી વાહનચાલકો અકસ્માતે તેમાં ખાબકી જાય તેવી ગંભીર ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક રહિશો અને રાહદારીઓના જણાવ્યા મુજબ, આ સમસ્યા નવી નથી. છેલ્લા ઘણા વર્ષોથી આજવા-નિમેટા રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પાણીની લાઈન નાખવાની કામગીરી પણ લાંબા સમયથી અધૂરી પડેલી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે દર વર્ષે વરસાદ દરમિયાન આ માર્ગ પર પાણી ભરાઈ જાય છે, છતાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી છે. તેમણે તાત્કાલિક ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા અને ખુલ્લી કાંસને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે.





