વડોદરાથી દિલ્હી જતી Indigoની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી, મુસાફરોનો હોબાળો



વડોદરાથી દિલ્હી જતી Indigoની ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી, મુસાફરોનો હોબાળો



Vadodara Indigo Flight Issue: વડોદરાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ ગરબડને કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એરપોર્ટ પર ઊભી ફ્લાઇટમાં અચાનક વીજળી ગુલ થઈ જતા એસી અને લાઇટો બંધ થઈ ગઈ હતી. ભીષણ ગરમી વચ્ચે ફ્લાઇટમાં અંધારું છવાઈ ગયું હતું અને યાત્રિકોને ગભરામણ થઈ રહી હતી. તો બીજી તરફ ગરમીને કારણે પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઘટના વડોદરાથી દિલ્હી જનારી ઇન્ડિગો ફ્લાઇટ 6E657માં બની હતી. ફ્લાઇટમાં સવાર યાત્રિકો ગત મોડી રાતે 8.50થી 9.15 સુધી ફસાયેલા રહ્યા હતા. બંધ કેબિનમાં અસહ્ય ગરમીથી પરેશાન યાત્રી ફાઇલો અને ન્યૂઝ પેપરથી હવા નાંખતા જોવા મળ્યા હતા. આ ગંભીર સિચ્યુએશનનો વીડિયો એક યાત્રીએ મોબાઇલથી રેકોર્ડ કર્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો અને તાત્કાલિક વાયરલ થયો હતો.
એરપોર્ટના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, વિમાનનું ગ્રાઉન્ડ પાવર યુનિટ કોઈ ટેક્નિકલ ખામીને કારણે અચાનક બંધ થઈ ગયો હતો, જેનાથી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. વિમાનમાં વીજળી ગુલ થતા એરલાઇનના ટેક્નિશિયન્સની એક ટીમ તાત્કાલિક પહોંચી હતી અને સમારકાર ચાલુ કર્યું હતું. ઝડપથી કરેલી કામગીરીને પગલે ટૂંક સમયમાં જ વીજળી પાછી આવી ગઈ હતી. વિમાનમાં વીજળી અને એસી બીજીવાર ચાલુ થતા યાત્રિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વિમાનને દિલ્હી રવાના કરવામાં આવ્યું હતું.
GPUનું કામ શું છે?
જ્યારે કોઈ વિમાન રનવે કે ટર્મિનલ પર ઉભું હોય ત્યારે તેનું મુખ્ય એન્જિન બંધ કરી દેવામાં આવે છે. એન્જિન બંધ હોવા છતાં ગ્રાઉન્ડ પાવર યુનિટ વિમાનમાં મહત્વપૂર્ણ કામગીરી, જેવી કે કોકપિટ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ, કેબિન લાઇટિંગ, એર કન્ડિશનિગ અને એન્જિનને ફરી ચાલુ કરવા માટે આવશ્યક વીજળીની જરૂર પડે છે.




