અમેરિકન સૈનિકોના મોત બાદ ઈરાન પર અમેરિકાના તાબડતોબ હવાઈ હુમલા, બંદર અબ્બાસ અને કેશમ દ્વીપ પર વિસ્ફોટ


અમેરિકન સૈનિકોના મોત બાદ ઈરાન પર અમેરિકાના તાબડતોબ હવાઈ હુમલા, બંદર અબ્બાસ અને કેશમ દ્વીપ પર વિસ્ફોટ


વોશિંગ્ટન: ઈરાનના હુમલામાં પ્રથમ વખત બે અમેરિકન સૈનિકોના મોત થયા બાદ અમેરિકા વધુ આક્રમક બન્યું છે. અમેરિકી સેનાએ શનિવારે જાહેરાત કરી કે સૈનિકોના મોતના જવાબમાં ઈરાન સામે નવા હવાઈ હુમલાઓ શરૂ કરવામાં આવ્યા છે. હુમલામાં બંદર અબ્બાસ અને હોર્મુઝ જળમાર્ગ નજીક આવેલા કેશમ દ્વીપને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ કાર્યવાહીનો હેતુ હોર્મુઝ જળમાર્ગમાં વેપારી જહાજોને જોખમમાં મૂકવાની ઈરાનની ક્ષમતા નબળી પાડવાનો અને અમેરિકી સૈનિકો પર થયેલા હુમલાનો તાત્કાલિક જવાબ આપવાનો છે.
સેન્ટકોમના જણાવ્યા મુજબ ઈરાનના હુમલામાં બે અમેરિકન સૈનિકોના મોત થયા છે, જ્યારે એક સૈનિક હજુ પણ ગુમ છે. અમેરિકાના કમાન્ડર-ઇન-ચીફના નિર્દેશ બાદ ઈરાન સામે હવાઈ હુમલાનો નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.
બીજી તરફ, ઈરાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે અગાઉના અમેરિકી હુમલાઓમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ સાથે તાજેતરના સંઘર્ષમાં મૃત્યુઆંક 50 સુધી પહોંચી ગયો છે. મંત્રાલયના પ્રવક્તા હુસૈન કેરમાનપુરના જણાવ્યા મુજબ 27 જૂનથી અત્યાર સુધી અમેરિકી હુમલાઓમાં ઓછામાં ઓછા 500 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAના અહેવાલ મુજબ, રવિવારે વહેલી સવારે બંદર અબ્બાસ અને કેશમ દ્વીપ પર અનેક વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેશમ દ્વીપના અનેક વિસ્તારોમાં વિસ્ફોટ થયા હતા.
સમાચાર એજન્સી તસ્નીમના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકી વિમાનો કેશમ દ્વીપને વારંવાર નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે ટાપુના કેટલાક વિસ્તારો અને માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે.
બંદર અબ્બાસ બંદર શહેરમાં પણ અનેક વિસ્ફોટોના અવાજો સંભળાતા વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલી સૈન્ય કાર્યવાહીના કારણે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.




