Get News Alerts

Never miss breaking news updates.

ઉમરપાડા ગામની જર્જરીત પ્રાથમિક શાળા: 32 બાળકો પંચાયત ભવનમાં અભ્યાસ કરવા મજબૂર

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઉમરપાડા ગામમાં પ્રાથમિક શાળાનું જર્જરીત મકાન તોડી પાડવામાં આવતા 32 વિદ્યાર્થીઓ હાલ શિક્ષણ માટે પંચાયત ભવનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં બે નવા ઓરડાઓની માંગ લાંબા સમયથી પડતર છે, જ્યારે શિક્ષકોની અછતને કારણે શિક્ષણ વ્યવસ્થામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 23 Jun 2026 02:16 PM IST
ઉમરપાડા ગામની જર્જરીત પ્રાથમિક શાળા: 32 બાળકો પંચાયત ભવનમાં અભ્યાસ કરવા મજબૂરઉમરપાડા ગામની જર્જરીત પ્રાથમિક શાળા: 32 બાળકો પંચાયત ભવનમાં અભ્યાસ કરવા મજબૂર

વલસાડ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગાઢવી ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના ઉમરપાડા ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરીત અને જોખમી બનતાં તેને તોડી પાડવામાં આવ્યું છે. જેના કારણે હાલ શાળાના 32 વિદ્યાર્થીઓ પંચાયત ભવનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

મળતી માહિતી મુજબ, ઉમરપાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ-5 સુધી કુલ 32 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જૂનું શાળાનું મકાન જોખમી બનતાં તેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિક્ષણ માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિદ્યાર્થીઓને ગાઢવી ગ્રામ પંચાયતના ભવનમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગ તથા કપરાડા તાલુકા શિક્ષણ કચેરી સમક્ષ નવા ઓરડાઓ મંજૂર કરવા માટે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તા. 19 જાન્યુઆરી 2026ના રોજ પણ આ અંગે નવી દરખાસ્ત મોકલવામાં આવી હતી, પરંતુ હજુ સુધી નિર્ણય બાકી છે.

ગાઢવી ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ ખરપડે જણાવ્યું હતું કે હાલની વ્યવસ્થા માત્ર કામચલાઉ છે અને વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ મળે તે માટે તાત્કાલિક બે નવા ઓરડાઓ મંજૂર કરીને નિર્માણ કાર્ય શરૂ કરવાની જરૂર છે.

બીજી તરફ શાળામાં શિક્ષકોની અછત પણ ચિંતાનો વિષય બની છે. અગાઉ બે શિક્ષકો ફરજ બજાવતા હતા, પરંતુ એક શિક્ષકની બદલી થતાં હાલ માત્ર એક જ શિક્ષક સમગ્ર શાળાનું સંચાલન કરી રહ્યા છે.

આગામી 24થી 26 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ જનપ્રતિનિધિઓને સ્થળ મુલાકાત લઈને વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાની અપીલ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.