યુકેની સંસદમાં POK હિંસા મુદ્દે ઉઠ્યો અવાજ, સ્વતંત્ર અને પારદર્શક તપાસની માંગ


યુકેની સંસદમાં POK હિંસા મુદ્દે ઉઠ્યો અવાજ, સ્વતંત્ર અને પારદર્શક તપાસની માંગ


લંડન: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (POK)માં સર્જાયેલી હિંસક પરિસ્થિતિને લઈને યુકેની સંસદમાં અનેક બ્રિટિશ સાંસદોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અહેવાલો મુજબ પાકિસ્તાની સુરક્ષા દળોની કાર્યવાહીમાં 40થી વધુ નાગરિકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બ્રિટનની લેબર પાર્ટીના સાંસદ લિયમ બાયર્ને જણાવ્યું કે POKમાં શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા લોકો પર ગોળીબાર થયાના અહેવાલો અત્યંત ચિંતાજનક છે. તેમણે સંચાર સેવાઓ પર પ્રતિબંધ અને માનવાધિકાર ઉલ્લંઘનને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું હતું.
બાયર્ને જણાવ્યું કે યુકે સંસદના ‘ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ઓન કાશ્મીર’ દ્વારા બે મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. પ્રથમ, લંડનમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશન સાથે તાત્કાલિક ચર્ચા કરીને હિંસા રોકવા માટે દબાણ કરવામાં આવે. બીજી, યુકેના વિદેશ મંત્રાલયના મંત્રીઓ સાથે બેઠક કરીને પાકિસ્તાન સરકાર સમક્ષ આ મુદ્દો મજબૂત રીતે ઉઠાવવામાં આવે. તેમણે કહ્યું કે હાલની સૌથી મોટી પ્રાથમિકતા હિંસા તાત્કાલિક બંધ કરાવવાની છે.
બીજા બ્રિટિશ સાંસદ અદનાન હુસૈને POKમાં નાગરિકોના મોતને દુઃખદ ઘટના ગણાવી અને પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા બળના ઉપયોગની સંપૂર્ણ, સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરવાની માંગ કરી. તેમણે તમામ પક્ષોને સંયમ રાખવા, નાગરિકોના જીવનું રક્ષણ કરવા અને શાંતિપૂર્ણ સંવાદ દ્વારા ઉકેલ શોધવા અપીલ કરી.
આ દરમિયાન માનવાધિકાર સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલની મહાસચિવ એગ્નેસ કાલામાર્ડે પણ POKના રાવલાકોટમાંથી આવી રહેલા અહેવાલો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રદર્શનકારીઓ સામે બળપ્રયોગ અને સંચાર સેવાઓ પર પ્રતિબંધ જેવા પગલાં ચિંતાજનક છે.
કાલામાર્ડે પાકિસ્તાની સત્તાવાળાઓને ઈન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પરના પ્રતિબંધો હટાવવા, મીડિયા અને સ્વતંત્ર નિરીક્ષકોને વિસ્તારની મુલાકાત લેવાની મંજૂરી આપવા તેમજ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગની તાત્કાલિક, સ્વતંત્ર અને પારદર્શક તપાસના આદેશ આપવાની માંગ કરી હતી.




