સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માત્ર 8 કલાકમાં બન્યો ભારતનો પ્રથમ સ્ટીલ પેદેસ્ટ્રિયન સબવે


સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માત્ર 8 કલાકમાં બન્યો ભારતનો પ્રથમ સ્ટીલ પેદેસ્ટ્રિયન સબવે


સુરત: ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા અને આધુનિક બાંધકામ ટેક્નોલોજીના ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન હેઠળ આવેલા સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે દેશનો પ્રથમ કોરુગેટેડ સ્ટીલ આર્ચ ટેક્નોલોજી આધારિત સ્ટીલ પેદેસ્ટ્રિયન સબવે માત્ર 8 કલાકમાં તૈયાર કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટનું નિર્માણ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવ્યું છે. આધુનિક ટેક્નોલોજીના ઉપયોગને કારણે રેલવે ટ્રાફિકને ઓછામાં ઓછો વિક્ષેપ પહોંચે તે રીતે સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
મુંબઈ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) પંકજ સિંહના જણાવ્યા મુજબ, ઉધના રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેકનો આશરે 10 મીટરનો ભાગ અસ્થાયી રીતે દૂર કરીને આ પેદેસ્ટ્રિયન સબવે બનાવવામાં આવ્યો હતો. આ સબવે ખાસ કરીને પગપાળા અવરજવર કરતા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે.
અગાઉ ઉધના બાયપાસ લાઇન પર સ્થાનિક લોકોને રેલવે ટ્રેક ઓળંગીને જવું પડતું હતું. ટ્રેકના વળાંક અને ઓછી દૃશ્યતા (વિઝિબિલિટી)ને કારણે અકસ્માતનું જોખમ સતત રહેતું હતું. હવે આ સબવે બનતા લોકો વધુ સુરક્ષિત રીતે અવરજવર કરી શકશે.
પરંપરાગત પદ્ધતિથી સંપૂર્ણ અલગ ટેક્નોલોજી
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધી રેલવે અંડરપાસ બનાવવા માટે મુખ્યત્વે કટ-એન્ડ-કવર અથવા બોક્સ પુશિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થતો હતો. આ પદ્ધતિમાં ભારે કોંક્રિટ બોક્સને હાઇડ્રોલિક જેકની મદદથી ટ્રેકની નીચે ધકેલવામાં આવે છે, જેમાં મહિનાઓનો સમય, કરોડો રૂપિયાનો ખર્ચ અને ટ્રેન વ્યવહારમાં વિક્ષેપ સર્જાતો હતો.
નવી ટેક્નોલોજીમાં પહેલા ટ્રેકનો એક ભાગ દૂર કરવામાં આવ્યો, ત્યારબાદ ભારે મશીનરીથી ખાડો ખોદીને અગાઉથી તૈયાર કરાયેલા ગોળાકાર સ્ટીલ આર્ચને ક્રેનની મદદથી યોગ્ય સ્થાને ગોઠવવામાં આવ્યો. સ્ટીલ સ્ટ્રક્ચરને મજબૂત કોંક્રિટ ફાઉન્ડેશન પર ફિટ કર્યા બાદ ખાડો ફરીથી ભરવામાં આવ્યો અને રેલવે ટ્રેકને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા માત્ર 8 કલાકમાં પૂર્ણ થઈ ગઈ.
રેલવે અધિકારીઓનું માનવું છે કે કોરુગેટેડ સ્ટીલ આર્ચ ટેક્નોલોજીનો સફળ ઉપયોગ ભવિષ્યમાં દેશભરમાં પેદેસ્ટ્રિયન સબવેના નિર્માણને વધુ ઝડપી, સુરક્ષિત અને ખર્ચ અસરકારક બનાવશે. સાથે જ ટ્રેન સેવાઓમાં પણ ખૂબ ઓછો વિક્ષેપ આવશે.




