રથયાત્રા પૂર્વે ઝડપાયેલા આતંકીઓની વડોદરા કડી: સયાજીગંજની હોટેલમાં રોકાયા હોવાનો ખુલાસો


રથયાત્રા પૂર્વે ઝડપાયેલા આતંકીઓની વડોદરા કડી: સયાજીગંજની હોટેલમાં રોકાયા હોવાનો ખુલાસો


રથયાત્રા પૂર્વે ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકવાદીઓના કેસમાં મહત્વની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ઝડપાયેલા આતંકીઓ પૈકી બે આતંકવાદીઓ વડોદરા ખાતે રોકાયા હતા. બંને આતંકીઓ સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટેલમાં રોકાયા હોવાની માહિતી તપાસ એજન્સીઓને મળી છે.
પ્રાથમિક તપાસ મુજબ આતંકી અહમદ ગાજીવાલા વડોદરાની આ હોટેલમાં રોકાયો હતો. હોટેલના માલિક મૂળ પાલનપુરના ભાગળ વિસ્તારના હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે અહમદના ત્યાં રોકાણને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી છે.
આ મામલે હોટેલના કોઈ સ્ટાફ અથવા અન્ય વ્યક્તિની સંડોવણી હતી કે કેમ તે અંગે પોલીસ અને ATS દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હોટેલમાં રોકાણ દરમિયાન આતંકીઓ કોના સંપર્કમાં હતા અને તેમની પ્રવૃત્તિઓ શું હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
આ ઉપરાંત 18 વર્ષીય આતંકી બિલાલ ઘાંચીની ધરપકડ બાદ તેની કડી પણ પાલનપુરના ભાગળ વિસ્તાર સાથે જોડાયેલી હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે તમામ આતંકીઓ સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં રહેતા હતા.
વડોદરા રોકાયેલા આતંકીઓએ કાશ્મીરથી અન્ય આતંકીને બોલાવ્યો હોવાની માહિતી પણ તપાસ એજન્સીઓને મળી છે. અહમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ઘઘાએ વડોદરામાં બેઠક કરી હોવાની વિગતો સામે આવી છે.
હાલ સમગ્ર મામલે ATS દ્વારા વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને હોટેલ માલિકની ભૂમિકા સહિત તમામ સંભવિત કડીઓની તપાસ હાથ ધરવામાં આવી શકે છે.




