તાલાલામાં કેસર કેરીનો સુવર્ણ યુગ: 55 દિવસમાં 9.12 લાખ બોક્સનું વેચાણ, ખેડૂતોને ₹200 કરોડથી વધુની કમાણી



તાલાલામાં કેસર કેરીનો સુવર્ણ યુગ: 55 દિવસમાં 9.12 લાખ બોક્સનું વેચાણ, ખેડૂતોને ₹200 કરોડથી વધુની કમાણી



ગીસ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીની સિઝન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અનુકૂળ હવામાન, કુદરતની મહેરબાની અને ખેડૂતોની વર્ષભરની મહેનતના પરિણામે કેસર કેરીનું બમ્પર ઉત્પાદન થતાં વેચાણ અને આવકના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે.
તાલાલાના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝન દરમિયાન માત્ર 55 દિવસમાં 10 કિલોગ્રામ વજન ધરાવતા 9 લાખ 12 હજારથી વધુ બોક્સ કેસર કેરીનું વેચાણ નોંધાયું છે. ગત વર્ષે 44 દિવસની સિઝનમાં 4 લાખ 49 હજાર બોક્સની આવક નોંધાઈ હતી, જ્યારે આ વર્ષે આ આંકડો બમણાથી પણ વધુ રહ્યો છે.
વિશેષજ્ઞોના અંદાજ મુજબ, તાલાલા પંથકના ખેડૂતોને આ વર્ષે કેસર કેરીના પાકમાંથી અંદાજે 200 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડ ઉપરાંત ખેડૂતો દ્વારા ખેતરો અને વાડીઓમાંથી સીધા વેપારીઓ, ગ્રાહકો અને ઓનલાઈન માધ્યમો દ્વારા વેચાણ થતાં તેમને વધુ નફો મળી રહ્યો છે.
આ વર્ષે અનુકૂળ હવામાન અને એપ્રિલ મહિનામાં પડેલા આકરા તાપના કારણે કેસર કેરીની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થયો હતો. કેરીનો રંગ, સુગંધ અને સ્વાદ વધુ ઉત્તમ બનતા સ્થાનિક તેમજ દેશ-વિદેશના ગ્રાહકોમાં તેની માંગ વધી છે.
સ્થાનિક બજાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ગીરની કેસર કેરીનો જાદુ જોવા મળ્યો છે. તાલાલા યાર્ડ સંચાલિત સરકારી પેક હાઉસ મારફતે આ વર્ષે અંદાજે 150 ટન કેસર કેરીની વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી છે. ગત વર્ષે 92 ટન નિકાસ થઈ હતી, જ્યારે આ વર્ષે તેમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
અમેરિકા, કેનેડા, યુરોપ અને ગલ્ફ દેશોમાં ગીરની કેસર કેરી માટે ભારે માંગ જોવા મળી રહી છે. પેક હાઉસના સંચાલક અને દેવ કૃપા એન્ટરપ્રાઇઝના ફાઉન્ડર દીપકભાઈ ચાંદેગરાના જણાવ્યા મુજબ, હજુ પણ વિદેશમાંથી સતત ઓર્ડરો મળી રહ્યા છે અને 25 જૂન સુધી નિકાસની કામગીરી ચાલુ રહેશે.
કેસર કેરીની વધતી માંગનો લાભ માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ વેપારીઓ, ઇજારદારો તેમજ મેંગો પલ્પ, જ્યુસ, આઈસ્ક્રીમ અને સોફ્ટ ડ્રિંક ઉદ્યોગોને પણ મળી રહ્યો છે. પરિણામે સમગ્ર ગીર પંથકની અર્થવ્યવસ્થામાં નવી ઉર્જાનો સંચાર થયો છે.
આમ, વર્ષ 2026ની કેસર કેરીની સિઝન ગીરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે. રેકોર્ડબ્રેક ઉત્પાદન, કરોડોની આવક અને વૈશ્વિક બજારમાં વધતી માંગે ગીરની કેસર કેરીને ફરી એકવાર વિશ્વસ્તરે આગવી ઓળખ અપાવી છે.




