
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીની સિઝન ઐતિહાસિક સાબિત થઈ છે. માત્ર 55 દિવસમાં 9.12 લાખથી વધુ બોક્સના રેકોર્ડબ્રેક વેચાણ સાથે ખેડૂતોને અંદાજે ₹200 કરોડથી વધુની આવક થઈ છે. બમ્પર ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા અને દેશ-વિદેશમાં વધતી માંગને કારણે ગીરની કેસર કેરીએ ફરી એકવાર વૈશ્વિક બજારમાં પોતાની મીઠી ઓળખ મજબૂત બનાવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘાટલોડિયા મતવિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને કેસર કેરીથી લઈને એસ્ટ્રોનોમી સુધીના વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ કાળઝાળ ગરમીમાં લોકો પોતાની અને પરિવારની વિશેષ કાળજી રાખે તેવી અપીલ કરી હતી.

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કપરાડા, ધરમપુર અને પારડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ હાફુસ અને કેસર કેરીના પાકને નુકસાન થવાની શક્યતાને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.