સુરતની રાંદેર પોલીસની મોટી સફળતા, 31 વર્ષ બાદ ફરાર આરોપી ઝડપાયો



સુરતની રાંદેર પોલીસની મોટી સફળતા, 31 વર્ષ બાદ ફરાર આરોપી ઝડપાયો



Surat Police: સુરત શહેરની રાંદેર પોલીસને ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત મોટી સફળતા મળી છે. વર્ષ 1995માં થયેલા ચોરીના ગુનામાં છેલ્લા 31 વર્ષથી ફરાર રહેલો વોન્ટેડ આરોપી આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે.
મળતી માહિતી મુજબ, સીઆરપીસી કલમ-70 હેઠળ જાહેર કરાયેલા વોરંટના આધારે આરોપીની લાંબા સમયથી શોધખોળ ચાલી રહી હતી. રાંદેર પોલીસની વિશેષ ટીમે ઉત્તરપ્રદેશમાં દરોડો પાડી જમાલપુર ગામમાંથી આરોપી શ્રીચંદ રામદયાલ શાહુને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પ્લમ્બર તરીકે કામ કરી પોતાની અસલી ઓળખ છુપાવી રહ્યો હતો. પોલીસે ગામમાં વોચ ગોઠવી અને બાતમીના આધારે આખરે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
તપાસ અનુસાર, વર્ષ 1995માં આરોપી સુરતના દીપમાલા કોમ્પ્લેક્સમાં નોકર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તેણે એક ફ્લેટમાંથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ ₹25 હજારની ચોરી કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પગાર સમયસર ન મળતા ગુસ્સામાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ચોરીની ઘટના બાદ આરોપી સુરત છોડીને સીધો ઉત્તરપ્રદેશ ભાગી ગયો હતો. ફરારી દરમિયાન તેણે લગ્ન કર્યા અને પરિવાર સાથે સ્થાયી જીવન શરૂ કર્યું હતું. જો કે, ત્રણ દાયકા સુધી ફરાર રહ્યા બાદ પણ તે બચી શક્યો નહીં. આ સમગ્ર કામગીરી રાંદેર ડિવિઝનના એસીપી મિલન મોદીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




