સુરત રેલવે પોલીસની મોટી કાર્યવાહી, પશ્ચિમ એક્સપ્રેસમાંથી ચરસનો જથ્થો ઝડપાયો



સુરત રેલવે પોલીસની મોટી કાર્યવાહી, પશ્ચિમ એક્સપ્રેસમાંથી ચરસનો જથ્થો ઝડપાયો



Surat News: સુરત રેલવે પોલીસ અને રેલવે SOGને મોટી સફળતા મળી છે. પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 0.969 કિલોગ્રામ ચરસ કબજે કરવામાં આવ્યો છે. જેની અંદાજિત કિંમત રૂ. 2.42 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહી “મિશન સેફ સ્ટેશન” અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. રેલવે સ્ટાફની તપાસ દરમિયાન ટ્રેનના કોચમાં બિનવારસી હાલતમાં બે બેગ મળી આવી હતી. તેમાં એક બેકપેક અને એક સાઇડબેગ શંકાસ્પદ હાલતમાં હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન, બેગમાંથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને શંકા છે કે, આરોપી પોલીસનો ભય રાખી બેગ ત્યાં છોડી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઓપરેશન રેલવે SOG, GRP અને RPFની સંયુક્ત ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈ અજાણ્યા આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ચરસ ગુજરાતમાં હેરાફેરી માટે લાવવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફરાર આરોપીની ઓળખ અને શોધખોળ માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. સુરત રેલવે પોલીસની સતર્કતાને કારણે મોટી માદક પદાર્થોની હેરાફેરીનો પ્રયાસ નિષ્ફળ બન્યો છે.




