સુરતના નક્ષત્ર સેફ હાઉસમાં ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરીથી ખળભળાટ, ત્રણેય બ્રાન્ચ પર લોકરધારકોની ભીડ


સુરતના નક્ષત્ર સેફ હાઉસમાં ₹2.67 કરોડના 206 તોલા સોનાની ચોરીથી ખળભળાટ, ત્રણેય બ્રાન્ચ પર લોકરધારકોની ભીડ


સુરત: સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના અંદાજે ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાના સમાચાર ફેલાતા જ સિંગણપોર ઉપરાંત વરાછા સહિત નક્ષત્ર સેફ હાઉસની અન્ય શાખાઓ પર પણ પોતાના કિંમતી દાગીના અને રોકડ સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવા માટે મોટી સંખ્યામાં લોકરધારકો દોડી આવ્યા હતા. બ્રાન્ચોની બહાર લાંબી કતારો અને ભારે દોડધામના દૃશ્યો જોવા મળ્યા હતા. નોંધનીય છે કે સુરતમાં નક્ષત્ર સેફ હાઉસની ત્રણ બ્રાન્ચમાં 2,500થી વધુ લોકર્સ ઉપલબ્ધ છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરી કોઈ સામાન્ય ઘટના નહોતી, પરંતુ પૂર્વઆયોજિત કાવતરાનો ભાગ હતી. સમગ્ર મામલે નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના બે પુત્રો હર્ષ દિયોરા અને હરિકૃષ્ણ દિયોરા, તેમજ લોકર તોડવામાં નિષ્ણાત મણીલાલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સંચાલક પિતા અને બંને પુત્રોની ધરપકડ કરી છે.
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓએ ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ-અલગ સમયે લોકરો તોડીને તેમાં રહેલા સોનાના દાગીના કાઢી લીધા હતા. ત્યારબાદ આ દાગીના બજારમાં વેચીને નાણાં મેળવી લેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
સિંગણપોર બ્રાન્ચમાં બનેલી ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં વાયરલ થતાં જ વરાછા સહિત અન્ય બ્રાન્ચોના લોકરધારકોમાં પણ ભારે ચિંતા ફેલાઈ હતી. લોકો પોતાની લોકરની ચાવીઓ લઈને બ્રાન્ચ પર પહોંચ્યા અને પોતાના લોકરમાં રાખેલા દાગીના અને રોકડ સુરક્ષિત છે કે નહીં તેની તપાસ કરવા માટે ઉમટી પડ્યા હતા.
સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને અન્ય કોઈ લોકરો સાથે પણ છેડછાડ થઈ છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.




