Surat ના કામરેજમાં ભેળસેળયુક્ત ઘીના ગેરકાયદે ઉત્પાદનનો પર્દાફાશ, 5157 લીટર ઘી સ્થળ પરથી સીઝ કરાયું


surat fake ghee
Surat ના કામરેજમાં ભેળસેળયુક્ત ઘીના ગેરકાયદે ઉત્પાદનનો પર્દાફાશ, 5157 લીટર ઘી સ્થળ પરથી સીઝ કરાયું


surat fake ghee
Surat : ગોડાઉનને બહારથી લોક રાખવામાં આવતું હતું, જ્યારે અંદરખાને ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હતું. આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદે રીતે ઘીનું ઉત્પાદન થઈ રહ્યું હોવાની માહિતીના આધારે ફૂડ સેફટી વિભાગે પોલીસ ટીમ સાથે મળીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અંકિત રાજેશભાઈ મોદીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસમાં અંકિત મોદી ‘કેવલ ફૂડ પ્રોડક્ટ’નો માલિક હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓએ સ્થળ પરથી અંદાજે 5157 લીટર ઘી સીઝ કર્યું છે.
કામરેજમાં ફૂડ સેફટી વિભાગનો દરોડો
આ ઉપરાંત ‘અનમોલ રતન કાઉ ઘી’ના વિવિધ પેકિંગનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. સીઝ કરાયેલા ઘીની અંદાજિત કિંમત આશરે રૂ. 26.12 લાખ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન ઘીમાં ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતા મોટા પ્રમાણમાં પામોલીન અને સોયાબીન ઓઈલનો જથ્થો પણ મળી આવ્યો હતો. અધિકારીઓએ કુલ 1485 કિલો પામોલીન ઓઈલ અને 285 કિલો સોયાબીન ઓઈલ જપ્ત કર્યું છે. બંને ઓઈલના જથ્થાની અંદાજિત કિંમત આશરે રૂ. 3.63 લાખ હોવાનું જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં લાઇસન્સ ધરાવતી જગ્યાને બદલે અન્ય ગોડાઉનમાં ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે ગોડાઉનની બહારથી લોક રાખીને અંદર ઉત્પાદનની કામગીરી કરવામાં આવતી હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે.
ફૂડ સેફટી અને LCBની સંયુક્ત કાર્યવાહી
કાર્યવાહી બાદ સંબંધિત ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફટી વિભાગ દ્વારા Food Safety and Standards Act હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અધિકૃત સ્થળે પણ ઘીનું ઉત્પાદન અને પેકિંગ હાલ બંધ હોવાનું સામે આવ્યું છે. તહેવારોની સિઝન પહેલા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના ગેરકાયદે ઉત્પાદન સામે તંત્રની સક્રિયતા સામે આવી છે. હાલ સમગ્ર મામલે જપ્ત કરાયેલા ઘી, ઓઈલ અને અન્ય સામગ્રીના નમૂનાઓ તથા ઉત્પાદન પ્રક્રિયા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.




