સુરતમાં મોડી રાતે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા



સુરતમાં મોડી રાતે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા



Surat News: સુરત શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા વરસાદ સાથે ચોમાસાનું વિધિવત આગમન થયું છે. શહેરના જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. છેલ્લા લગભગ 15 દિવસથી વરસાદની રાહ જોઈ રહેલા સુરતવાસીઓને વરસાદ પડતાં રાહત મળી છે. ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
જો કે, વરસાદની સાથે જ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં પિયુષ રોડ તેમજ દક્ષેશ્વર મંદિર સેવા હોસ્પિટલ નજીક વરસાદી પાણી ભરાઈ જતાં શાળા, કોલેજ અને નોકરીએ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાના કારણે અનેક બાઈક-રિક્ષા સહિતના વાહનો રસ્તા પર જ બંધ પડી જતાં વાહનચાલકોને વાહનો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી.
આ ઉપરાંત ભેસ્તાનના બાટલી બોય રોડ અને પ્રમુખ પાર્ક બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. અનેક વાહનો પાણીમાં ફસાઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક લોકોએ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. લોકોનો આક્ષેપ છે કે, દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં મનપાની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને લોકોમાં મનપા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.




