સોનમ વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ: પત્ની ગીતાંજલિએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો


સોનમ વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ: પત્ની ગીતાંજલિએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો


નવી દિલ્હી: સામાજિક કાર્યકર અને પર્યાવરણવિદ સોનમ વાંગચુકને જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન સ્થળેથી અચાનક દિલ્હી સ્થિત સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમની પત્ની ગીતાંજલિ અંગમોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની માંગ કરી છે.
અરજીમાં ગીતાંજલિ અંગમોએ જણાવ્યું છે કે તેમને સફદરજંગ હોસ્પિટલ પર વિશ્વાસ નથી અને આ મામલે હાઈકોર્ટ તાત્કાલિક સુનાવણી કરે તેવી માંગ કરી છે.
'સહમતિ વગર જબરદસ્તી હોસ્પિટલમાં ખસેડાયા'
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે શનિવારે પોલીસ દ્વારા સોનમ વાંગચુકને તેમની સંમતિ વિના જંતર-મંતર પરથી બળજબરીપૂર્વક હટાવીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાઈકોર્ટના આદેશનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
'તબીબી ઇમરજન્સી નહોતી'
અરજી અનુસાર, વિરોધ સ્થળેથી હટાવવામાં આવ્યા તે સમયે સોનમ વાંગચુકના તમામ મહત્વના આરોગ્ય પરિમાણો સ્થિર હતા અને તેઓ લાયક ડોક્ટરોની દેખરેખ હેઠળ હતા. આવી સ્થિતિમાં તેમને અચાનક અને બળજબરીથી હોસ્પિટલમાં ખસેડવાની કોઈ તબીબી જરૂરિયાત નહોતી. આ કાર્યવાહી તેમના બંધારણીય અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હોવાનું પણ અરજીમાં જણાવાયું છે.
પરિવારને માહિતી ન આપવાનો આરોપ
ગીતાંજલિ અંગમોએ વધુમાં આરોપ લગાવ્યો છે કે વારંવાર વિનંતી કરવા છતાં પરિવારને માત્ર મર્યાદિત માહિતી આપવામાં આવી રહી છે. ઉપરાંત, સોનમ વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની પરિવારની માંગ પણ નકારી દેવામાં આવી છે.
વકીલ અને સારવાર કરતા ડોક્ટરોને મળવા દેતા નથી
અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોનમ વાંગચુકને તેમના કાનૂની સલાહકાર તેમજ છેલ્લા 20 દિવસથી સારવાર કરી રહેલા ડોક્ટરોને મળવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. પરિવારની ઈચ્છા વિરુદ્ધ તેમને સફદરજંગ હોસ્પિટલમાં જ રાખવામાં આવી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
ગીતાંજલિ અંગમોએ હાઈકોર્ટને વિનંતી કરી છે કે સોનમ વાંગચુકને યોગ્ય સારવાર માટે પરિવારની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની મંજૂરી આપવામાં આવે તેમજ તેમના ડોક્ટરો અને કાનૂની સલાહકારને કોઈપણ અવરોધ વિના મળવાની પરવાનગી આપવામાં આવે.




