સોમનાથમાં મોદીના 12 વર્ષને લઈ ભવ્ય મહાઆરતી, ત્રિવેણી સંગમ ખાતે ઉમટી પડી આસ્થાની ભીડ



સોમનાથમાં મોદીના 12 વર્ષને લઈ ભવ્ય મહાઆરતી, ત્રિવેણી સંગમ ખાતે ઉમટી પડી આસ્થાની ભીડ



ગીર સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલા પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે મહાઆરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાજપના આગેવાનો જોડાયા હતા.
આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા, ભાજપના આગેવાનો, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. સૌએ મળીને ભગવાન સોમનાથના ચરણોમાં દેશની સુખાકારી, સમૃદ્ધિ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પ માટે પ્રાર્થના કરી હતી.
ત્રિવેણી સંગમના પવિત્ર કિનારે યોજાયેલી મહાઆરતી દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. "હર હર મહાદેવ" અને "જય સોમનાથ"ના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આરતીના દિવ્ય દૃશ્યો અને શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ભવ્યતા બક્ષી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશે વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.
આ પ્રસંગે દેશના ઉજ્જવળ ભવિષ્ય, રાષ્ટ્રની પ્રગતિ અને જનકલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સોમનાથની પવિત્ર ભૂમિ પર યોજાયેલ આ મહાઆરતી કાર્યક્રમ મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળની ઉજવણીનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.




