Somnath: પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ, ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું પવિત્ર તીર્થ માત્ર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર જ નથી, પરંતુ અહીં પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જતન અને આત્મનિર્ભરતાનો અનોખો સંદેશ પણ જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચે છે ત્યારે મંદિર પરિસરનું બિલ્વવન પણ ભક્તિ અને સેવાભાવનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.
Rahul Desai
Rahul Desai
Somnath: પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ, ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશSomnath: પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ, ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

Somnath: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું પવિત્ર તીર્થ માત્ર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર જ નથી, પરંતુ અહીં પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ જતન અને આત્મનિર્ભરતાનો અનોખો સંદેશ પણ જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચે છે ત્યારે મંદિર પરિસરનું બિલ્વવન પણ ભક્તિ અને સેવાભાવનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.

શિવપૂજામાં બિલ્વપત્રનું વિશેષ ધાર્મિક મહત્વ છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ સવા લાખથી વધુ બિલ્વપત્રો અર્પણ કરવામાં આવે છે. આટલી મોટી જરૂરિયાત માટે બહારથી બિલ્વપત્રો ખરીદવાને બદલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાના જ બિલ્વવનમાંથી તેની પૂર્તિ કરવામાં આવે છે.

બિલ્વવનની ખાસિયતો: 

સોમનાથમાં અંદાજે 2500 જેટલા બિલ્વવૃક્ષોનું સંવર્ધન.
શ્રાવણ માસમાં દરરોજ સવા લાખથી વધુ બિલ્વપત્રોની જરૂરિયાત.
બહારથી બિલ્વપત્રો ખરીદવાને બદલે પોતાના બિલ્વવનમાંથી પૂર્તિ.
આશરે 17 મહિલા અને પુરુષ કર્મચારીઓ બિલ્વપત્રો ચૂંટવાની સેવા કરે છે.
ગૌશાળામાંથી મળતા છાણના ખાતરનો ઉપયોગ.
પાણી બચાવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ.

બિલ્વપત્ર ચૂંટવું પણ મહાદેવની સેવા: 

બિલ્વવનમાં વહેલી સવારથી કર્મચારીઓ કામગીરી શરૂ કરે છે. વૃક્ષોની હરિયાળી વચ્ચે બિલ્વપત્રો ચૂંટતા કર્મચારીઓ માટે આ કાર્ય માત્ર રોજગાર કે ફરજ પૂરતું નથી. અનેક કર્મચારીઓ તેને મહાદેવની સેવા તરીકે જુએ છે. હાથમાં બિલ્વપત્ર અને મનમાં શિવનામના સ્મરણ સાથે થતી આ સેવા સોમનાથના આધ્યાત્મિક વાતાવરણને વધુ વિશેષ બનાવે છે.

ગૌશાળાના છાણથી ખાતર, ટપક સિંચાઈથી પાણી બચત: 

બિલ્વવનના સંવર્ધન માટે કુદરતી પદ્ધતિઓને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. ગૌશાળામાંથી મળતા છાણના ખાતરનો ઉપયોગ બિલ્વવૃક્ષોના વિકાસ માટે કરવામાં આવે છે. સાથે જ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ થાય તે માટે ટપક સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે વૃક્ષોની જરૂરિયાત મુજબ સિંચાઈ સાથે પાણીના સંરક્ષણનો પણ પ્રયાસ થાય છે.

બે દાયકા પહેલાંથી શરૂ થયેલી આત્મનિર્ભરતાની સફર:   

આ વ્યવસ્થા પાછળ આત્મનિર્ભરતાનો વિચાર પણ મહત્વનો છે. આશરે બે દાયકા પહેલાં સોમનાથ મહાદેવની પૂજા માટે જરૂરી બિલ્વપત્રો બહારથી ખરીદવાની જરૂર પડતી હતી. ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વવૃક્ષોના આયોજનબદ્ધ વાવેતર અને સંવર્ધન પર ભાર મૂકાયો. આજે શ્રાવણ જેવા પવિત્ર માસમાં જરૂરી મોટી સંખ્યામાં બિલ્વપત્રો પોતાના જ બિલ્વવનમાંથી પ્રાપ્ત થાય છે.

આ સમગ્ર વ્યવસ્થા માત્ર ધાર્મિક જરૂરિયાત પૂરી કરતી નથી, પરંતુ વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, પાણી બચત અને આત્મનિર્ભરતાનું મોડેલ પણ રજૂ કરે છે.

સોમનાથનું બિલ્વવન આજે જાણે મહાદેવના ચરણોમાં અર્પણ થતું હરિયાળું આભૂષણ બની ગયું છે. અહીંનું દરેક બિલ્વવૃક્ષ ભક્તિ સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપે છે. એક-એક બિલ્વપત્ર જ્યારે સોમનાથ મહાદેવને અર્પણ થાય છે ત્યારે તેની પાછળ વૃક્ષો ઉછેરનાર અને વહેલી સવારથી બિલ્વપત્રો ચૂંટતા કર્મચારીઓની નિષ્ઠાવાન સેવાનો પણ હિસ્સો જોડાયેલો છે.

સોમનાથનું આ બિલ્વવન દર્શાવે છે કે પ્રકૃતિનું જતન પણ સેવા છે, વૃક્ષોનું સંવર્ધન પણ ભક્તિ છે અને આત્મનિર્ભરતા પણ સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે.