શામળાજીમાં આદિજાતિ વિસ્તારોની કનેક્ટિવિટી વધારવા 9 મીડી બસનું લોકાર્પણ, અંતરિયાળ ગામોને મળશે પરિવહન સેવા


શામળાજીમાં આદિજાતિ વિસ્તારોની કનેક્ટિવિટી વધારવા 9 મીડી બસનું લોકાર્પણ, અંતરિયાળ ગામોને મળશે પરિવહન સેવા


અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આદિજાતિ વિસ્તારોની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ભગવાન બિરસા મુંડા જન જાતીય ગૌરવ પરિવહન’ યોજના અંતર્ગત શામળાજી એસ.ટી. ડેપો ખાતેથી 9 મીડી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પી.સી. બરંડાના હસ્તે 9 મીડી વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભિલોડા અને મોડાસા એસ.ટી. ડેપો તેમજ શામળાજી પ્રાયોજના વહીવટદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આદિજાતિ વિસ્તારોના અંતરિયાળ ગામો અને ફળિયાઓ સુધી પરિવહન સેવા પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલા આ મીડી વાહનોને કારણે સ્થાનિક લોકોને મોટી રાહત મળવાની છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી પહોંચવામાં સરળતા રહેશે. સાથે જ નોકરિયાતો, ધંધાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોને નજીકના નગરો તથા બજારો સાથે જોડાણ મળશે.
મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પરિવહન સુવિધા મહત્વપૂર્ણ છે. અંતરિયાળ વિસ્તારો સુધી એસ.ટી. સેવા પહોંચવાથી મુસાફરીનો સમય ઘટશે અને લોકોની રોજિંદી જરૂરિયાતો તેમજ આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે.
આ પ્રસંગે પ્રાયોજના અધિકારી, જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી મીડી બસ સેવાથી આદિજાતિ વિસ્તારોના લોકોને શિક્ષણ, રોજગાર અને બજાર સાથે વધુ સારી કનેક્ટિવિટી મળવાની આશા છે.




