શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે સારાંશ જૈનને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન

શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં પ્રથમ વખત મધ્યપ્રદેશના અનુભવી ઓલરાઉન્ડર સારાંશ જૈનને સ્થાન મળ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન બાદ 33 વર્ષીય ખેલાડીને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ કેપ મેળવવાની તક મળી છે.
Rahul Desai
Rahul Desai
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે સારાંશ જૈનને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સ્થાનશ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે સારાંશ જૈનને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન

નવી દિલ્હી: શ્રીલંકા સામે રમાનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં પ્રથમ વખત મધ્યપ્રદેશના અનુભવી ઓલરાઉન્ડર સારાંશ જૈનને સ્થાન મળ્યું છે. 33 વર્ષીય સારાંશ જૈન લાંબા સમયથી ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા હતા અને હવે તેમને ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક મળી છે.

ઇન્દોરમાં 31 માર્ચ, 1993ના રોજ જન્મેલા સારાંશ જૈન ડાબા હાથના બેટ્સમેન અને જમણા હાથના ઑફ-સ્પિન બોલર છે. તેમણે વર્ષ 2014માં 21 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2017માં તેમણે લિસ્ટ-A અને ટી20 ક્રિકેટમાં પણ પ્રવેશ કર્યો હતો.

સારાંશ જૈન મધ્યપ્રદેશ ટીમના મહત્વના ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે. તેમની બેટિંગ અને બોલિંગ બંનેમાં સતત સારા પ્રદર્શનને કારણે તેઓ ટીમને સંતુલન પૂરું પાડે છે. તેઓ 2021-22માં મુંબઈને હરાવી રણજી ટ્રોફી જીતનારી મધ્યપ્રદેશ ટીમના સભ્ય પણ રહ્યા હતા.

2025-26ની રણજી ટ્રોફીમાં સારાંશ જૈને માત્ર 7 મેચમાં 30 વિકેટ ઝડપી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફોર્મેટ માટે એવા ઓલરાઉન્ડરની શોધમાં હતી, જે બેટ અને બોલ બંનેથી યોગદાન આપી શકે. સારાંશ જૈન આ જરૂરિયાત માટે યોગ્ય વિકલ્પ તરીકે સામે આવ્યા છે.

જો તેમના ઘરેલુ કારકિર્દી પર નજર કરીએ તો તેમણે 54 ફર્સ્ટ-ક્લાસ મેચની 85 ઇનિંગ્સમાં 2 સદી અને 14 અડધી સદીની મદદથી 2,223 રન બનાવ્યા છે, જ્યારે 188 વિકેટ પણ ઝડપી છે. ઉપરાંત, 47 લિસ્ટ-A મેચમાં 553 રન સાથે 38 વિકેટ અને 20 ટી20 મેચમાં 18 વિકેટ તેમના નામે છે.

હવે ક્રિકેટપ્રેમીઓની નજર એ વાત પર રહેશે કે શ્રીલંકા પ્રવાસ દરમિયાન સારાંશ જૈનને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં. તેમના લાંબા અનુભવ અને સતત પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં મળેલી આ તક તેમના ક્રિકેટ કરિયરની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.