સાપુતારામાં ‘મેઘમલ્હાર 2026’નો રંગારંગ પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી ચાલશે મોન્સૂન ફેસ્ટિવલ


સાપુતારામાં ‘મેઘમલ્હાર 2026’નો રંગારંગ પ્રારંભ, 29 ઓગસ્ટ સુધી ચાલશે મોન્સૂન ફેસ્ટિવલ


ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2026’નો આજે 8 ઓગસ્ટે ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી ડો. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલ 29 ઓગસ્ટ સુધી યોજાશે.
12 રાજ્યોના 300થી વધુ કલાકારોની સાંસ્કૃતિક ઝલક:
સાપુતારા વ્હાઇટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીમાં દેશના અલગ-અલગ 12 જેટલા રાજ્યોમાંથી આવેલા 300થી વધુ કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી રજૂ કરી હતી. રંગબેરંગી વેશભૂષા, લોકનૃત્ય અને સંગીતની રજૂઆતથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બન્યું હતું, જેને પ્રવાસીઓએ મન ભરીને માણ્યું હતું.
પ્રવાસીઓને આકર્ષવા સરકારનો પ્રયાસ:
સાપુતારામાં ચોમાસા દરમિયાન કુદરતી સૌંદર્યનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચે છે. આ પ્રવાસનને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મેઘમલ્હાર ફેસ્ટિવલ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સ્થાનિક કલા અને સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.
‘સાપુતારા સ્વચ્છ રહેશે તો પ્રવાસીઓ વધશે’: હર્ષ સંઘવી
ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારાની સ્વચ્છતા અંગે સ્થાનિક વેપારીઓ અને લોકોનું ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સાપુતારાને જેટલું સ્વચ્છ રાખવામાં આવશે તેટલા વધુ પ્રવાસીઓ અહીં આવશે અને પ્રવાસીઓની સંખ્યા વધશે તેમ સ્થાનિક લોકો માટે રોજગારીની તકો પણ વધશે.
ગત વર્ષે 2.65 લાખ પ્રવાસીઓ, આ વર્ષે વધુની અપેક્ષા:
હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગત વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન સાપુતારામાં આશરે 2.65 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. આ વર્ષે પ્રવાસીઓનો આંકડો વધુ વધે તે માટે વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મેઘમલ્હાર 2026ના પ્રારંભ સાથે સાપુતારા ફરી એકવાર ચોમાસાના પ્રવાસન માટેનું મુખ્ય આકર્ષણ બન્યું છે. વાદળો, ધુમ્મસ, હરિયાળી અને સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચે તેવી શક્યતા છે.




