અઢી કરોડની ધાડનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપી ઝડપાયા, ₹76.86 લાખનો મુદ્દામાલ જપ્ત



અઢી કરોડની ધાડનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપી ઝડપાયા, ₹76.86 લાખનો મુદ્દામાલ જપ્ત



રાજકોટ:રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 જૂનના રોજ બનેલી અઢી કરોડ રૂપિયાની ધાડના ગુનામાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ડ્રોનની મદદથી ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે 19-20 જૂનની મધરાત્રે પાંચ બુકાનીધારી શખ્સોએ શાપર મેઇન રોડ પર રહેતા જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના બંગલામાં ઘૂસી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. બાદમાં કબાટમાં રાખેલા રૂ. 2.47 કરોડની રોકડ, આશરે રૂ. 2 લાખના સોનાના દાગીના, લાઇસન્સવાળી બંદૂક અને મોબાઇલ ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા.
ધાડ બાદ આરોપીઓએ ભાગવા માટે ત્રણ મોટરસાયકલોની ચોરી કરી હતી. પોલીસે એક બાઇક શાપર-ઢોલરા રોડ પરથી અને બે બાઇક હિરાસર એરપોર્ટ નજીક ડ્રોનની મદદથી શોધી કાઢી હતી. તપાસ દરમિયાન જામનગરમાંથી ચોરાયેલી કારની નંબર પ્લેટ પણ મળી આવતા તે ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો.
રાજકોટ ગ્રામ્ય LCB, SOG, સ્થાનિક પોલીસ અને સાયબર ક્રાઇમની લગભગ 20 ટીમોએ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં તપાસ ચલાવી હતી. હજારો CCTV ફૂટેજની તપાસ અને ટેક્નિકલ ડેટાના આધારે દાહોદ જિલ્લાના કટવારા વિસ્તારમાં નાકાબંધી કરી ત્રણ આરોપીઓને બોલેરો કાર, હથિયારો અને અન્ય પુરાવા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછના આધારે લૂંટાયેલી લાઇસન્સવાળી બંદૂક પણ ઢોલરા નજીકથી કબજે કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશના બંસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ તેમજ દાહોદ જિલ્લાના સેતાન દિવાણભાઈ અમલીયાર અને દિનેશ સેતાનભાઈ પરમારનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી સહિત કુલ પાંચ આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે.
પોલીસે અત્યાર સુધીમાં રૂ. 43.18 લાખની રોકડ, રૂ. 25.40 લાખથી વધુના દાગીના, બોલેરો કાર, હથિયારો, મોબાઇલ ફોન અને ચોરાયેલી મોટરસાયકલો સહિત કુલ રૂ. 76.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.




