Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટની 2.49 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો: આંતરરાજ્ય ગેંગના 3 શાતિર ઝડપાયા

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં જૂના રાજવી પરિવારના સભ્યને બંધક બનાવી 2.49 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવાના સનસનીખેજ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યના ડીજીપીના સતત મોનિટરિંગ હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી 76.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે પાંચ આરોપીઓ હજુ ફરાર છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Jun 2026 04:41 PM IST
રાજકોટની 2.49 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો: આંતરરાજ્ય ગેંગના 3 શાતિર ઝડપાયારાજકોટની 2.49 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો: આંતરરાજ્ય ગેંગના 3 શાતિર ઝડપાયા

રાજકોટ રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં જૂના રાજવી પરિવારના સભ્યને બંધક બનાવી 2.49 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવાના સનસનીખેજ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યના ડીજીપીના સતત મોનિટરિંગ હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી 76.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે પાંચ આરોપીઓ હજુ ફરાર છે.

રાજવી પરિવારના સભ્યને બંધક બનાવી ચલાવી હતી કરોડોની લૂંટ

19 અને 20 જૂન, 2026ની મધ્યરાત્રિએ શાપર-વેરાવળમાં રહેતા જૂના રાજવી પરિવારના સભ્ય જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરમાં લૂંટારુઓએ ધાડ પાડી હતી. જીતેન્દ્રસિંહ ઘરમાં એકલા હોવાની અગાઉથી માહિતી મેળવી ગેંગે તેમને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ 2.47 કરોડ રૂપિયાની રોકડ, અંદાજે 2 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના તેમજ લાયસન્સવાળી રાઇફલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ બોલેરો કારમાં આવ્યા હતા, પરંતુ ગુનાને અંજામ આપ્યા બાદ અગાઉથી ચોરી કરેલી ત્રણ મોટરસાયકલ પર ભાગી છૂટ્યા હતા. બાદમાં લૂંટેલા મુદ્દામાલની પણ આપસમાં વહેંચણી કરી હતી.

20 ટીમો, ડ્રોન અને ટેક્નિકલ સર્વેલન્સથી મળ્યો ગુનેગારોનો સગડ

આ કેસમાં સ્પષ્ટ CCTV ફૂટેજ ન મળતા રાજકોટ ગ્રામ્ય પોલીસે 20 અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. એક ટીમ CCTV ફૂટેજનું વિશ્લેષણ કરતી હતી તો બીજી ટીમ મોબાઇલ ટાવર ડમ્પના ટેક્નિકલ એનાલિસિસમાં લાગી હતી. અન્ય ટીમોએ રીઢા ગુનેગારોના રેકોર્ડ ખંખેર્યા હતા.

એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોનની મદદથી તપાસ દરમિયાન આરોપીઓએ ત્યજી દીધેલી ત્રણ ચોરીની મોટરસાયકલ મળી આવી હતી. ત્યાંથી મળેલા મોબાઇલ ટાવર ડેટાના આધારે પોલીસે દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સુધી તપાસનો વ્યાપ વધાર્યો હતો. અંતે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીકથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

76.86 લાખનો મુદ્દામાલ કબજે, પાંચ આરોપીઓ હજુ ફરાર

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 43.18 લાખ રૂપિયાની રોકડ, 21.22 લાખના દાગીના, લૂંટાયેલી રાઇફલ, બોલેરો કાર અને અન્ય હથિયારો સહિત કુલ 76.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓમાં બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ, સેતાન દીવાન અમલિયાર અને દિનેશ સેતાન પરમારનો સમાવેશ થાય છે. ત્રણેય સામે અગાઉ પણ લૂંટ અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

સ્થાનિક વ્યક્તિએ આપી હતી ટીપ, માસ્ટરમાઇન્ડની શોધ ચાલુ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના કેટલાક સંબંધીઓ અગાઉ શાપરમાં રહેતા હોવાથી તેમને રાજવી પરિવાર અંગેની માહિતી મળી હતી. વૃદ્ધ વ્યક્તિ ઘરમાં એકલા રહેતા હોવાની અને મોટી રોકડ રકમ હોવાની માહિતીના આધારે ગેંગે અગાઉથી રેકી કરી લૂંટની યોજના બનાવી હતી.

રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ, સમગ્ર કાવતરામાં સ્થાનિક સ્તરે ટીપ આપનાર અને યોજના ઘડનાર મુખ્ય શખ્સની ઓળખ માટે તપાસ ચાલી રહી છે. બાકીના પાંચ ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ રાજ્યોમાં પોલીસની ટીમો સક્રિય બની છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.