રાજકોટમાં ટ્રકની અડફેટે મહિલા સિક્યુરિટી ગાર્ડનું મોત, પુત્રનો આબાદ બચાવ


રાજકોટમાં ટ્રકની અડફેટે મહિલા સિક્યુરિટી ગાર્ડનું મોત, પુત્રનો આબાદ બચાવ


રાજકોટ: શહેરમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. જામટાવર ચોક ખાતે ટ્રકે બાઇકને અડફેટે લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શહેનાઝબેન દલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે બાઇક પર સવાર પુત્રનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, શહેનાઝબેન તેમના પુત્ર સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બાબુભાઈ ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકે તેમને હડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે શહેનાઝબેને ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.
અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રકને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. સાથે જ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.




