Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો એકસાથે ફરાર થઈ જતા ભારે ખળભળાટ મચ્યો છે. ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ડોગ સ્કોડ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે. ફરાર બાળકો પૈકી એક બાળક ઝડપાઈ ગયો છે, જ્યારે અન્યની શોધખોળ માટે સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 Jun 2026 02:04 PM IST
રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરારરાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ફરાર

રાજકોટ: રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બાળ સંરક્ષણ ગૃહમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો એકસાથે ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ અન્ય એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસમાં જોડાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવેલા 11 બાળકો કોઈ રીતે સુરક્ષા વ્યવસ્થા ભેદીને ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. એકસાથે આટલી મોટી સંખ્યામાં બાળકો ફરાર થતા સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું છે.

ઘટનાની જાણ થતાં પોલીસે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સાથે જ બાળ ગૃહ અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાર બાળકોની શોધખોળ માટે ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી રહી છે.

દરમિયાન ફરાર થયેલા બાળકો પૈકી એક બાળકને પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બાળકે જણાવ્યું હતું કે કુલ 6 બાળકોએ ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે બાળક વધુ વિગતો આપે તે પહેલાં જ પોલીસે તેને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસને આશંકા છે કે બાળકો અલગ-અલગ જૂથોમાં વહેંચાઈને વિવિધ દિશાઓમાં ભાગ્યા હોઈ શકે છે. આથી શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન તપાસ અને નાકાબંધી કરવામાં આવી રહી છે.

ઘટનાને લઈને પોલીસ અને બાળ સંરક્ષણ ગૃહના સંચાલન સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. એકસાથે 11 બાળકો કેવી રીતે ફરાર થયા અને સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે તમામ બાળકોને વહેલી તકે શોધી કાઢવા માટે ખાસ ટીમો બનાવી કામગીરી તેજ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.