'જ્યાં તથ્ય અને તર્ક હોય, ત્યાં તોફાન માટે જગ્યા હોતી નથી': સંસદના ચોમાસુ સત્ર પહેલાં PM મોદીનું નિવેદન


'જ્યાં તથ્ય અને તર્ક હોય, ત્યાં તોફાન માટે જગ્યા હોતી નથી': સંસદના ચોમાસુ સત્ર પહેલાં PM મોદીનું નિવેદન


નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "જ્યાં તથ્ય અને તર્ક હોય, ત્યાં તોફાન માટે કોઈ જગ્યા હોતી નથી. જો તર્ક મજબૂત હોય તો શાંતિપૂર્ણ રીતે પણ પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી શકાય છે."
વડાપ્રધાને જણાવ્યું કે દેશ વિકાસની ગતિએ આગળ વધી રહ્યો છે અને સંસદનું સકારાત્મક વાતાવરણ આ ગતિમાં નવી ઊર્જા ભરી શકે છે. રાષ્ટ્રના લક્ષ્યો હાંસલ કરવા માટે સકારાત્મક ભાવના ખૂબ જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે કહ્યું કે સંસદમાં તમામ પક્ષોના અનુભવી સાંસદો હાજર છે અને તેમના અનુભવ તથા જ્ઞાનની દેશ અને સંસદ બંનેને જરૂર છે. આ સમય દેશહિતમાં અર્થપૂર્ણ ચર્ચા કરવા અને મળીને દેશને આગળ વધારવાનો સંકલ્પ લેવાનો છે.
PM મોદીએ વધુમાં કહ્યું કે દેશના યુવાનો વિકાસ અને અભિવ્યક્તિની અપેક્ષા રાખે છે. રાષ્ટ્રનિષ્ઠા અને દેશભક્તિથી પ્રેરિત અવાજોને સંસદમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ, જેથી તેઓ દેશને નવી દિશા આપી શકે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે સંસદમાં દરેક અવાજને તક અને દરેક વિચારને સન્માન મળવું જોઈએ. તથ્ય અને તર્કના આધારે ચર્ચા સમૃદ્ધ બને, તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાને તમામ સાંસદોને સત્રમાં સક્રિય રીતે ભાગ લેવા આમંત્રણ આપતાં જણાવ્યું કે લોકસભાના સ્પીકરે પણ સોશિયલ મીડિયા મારફતે સાંસદોનું સ્વાગત કર્યું છે અને તેઓ પણ તે ભાવનામાં પોતાનો અવાજ જોડે છે.




