Chhota Udepur: ભેખડિયા ગામની વ્યસન મુક્તિની નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરી પ્રશંસા, ગ્રામજનો સાથે મળીને ભજનની મજા માણી


DyCM હર્ષ સંઘવી ભેખડિયા ગામની મુલાકાતે
Chhota Udepur: ભેખડિયા ગામની વ્યસન મુક્તિની નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરી પ્રશંસા, ગ્રામજનો સાથે મળીને ભજનની મજા માણી


DyCM હર્ષ સંઘવી ભેખડિયા ગામની મુલાકાતે
Chhota Udepur: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુર જિલ્લાના ભેખડિયા ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે ભજન ગાઈ આનંદની પળો માણી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગામની સંપૂર્ણ વ્યસનમુક્તિની પહેલની વિશેષ નોંધ લીધી હતી અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
View post on Instagram
જે લોકો ભજન સાથે જોડાયેલા હોય તેને વ્યસનની કોઈ જરૂરિયાત જ નથી: DyCM
ભેખડિયા ગામ લાંબા સમયથી વ્યસનમુક્ત છે. ગામના લોકોએ બીડી, સિગારેટ, તમાકુ અને દારૂ જેવા વ્યસનોથી સંપૂર્ણ અંતર જાળવી રાખ્યું છે. ગામમાં કોઈપણ પ્રકારનું વ્યસન પ્રવેશ ન પામે તે માટે ગ્રામજનોએ સામૂહિક પ્રયાસો કર્યા છે. આ બાબતની જાણ થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોની આ પહેલને બિરદાવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે તેઓ આ ગામના નાગરિકોનો આભાર માનવા આવ્યા છે. ગામે સંપૂર્ણપણે વ્યસનમુક્તિ પ્રાપ્ત કરી છે, જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. ગ્રામજનો સાથે વાતચીત દરમિયાન તેમને જાણવા મળ્યું કે ભજન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહેવાથી લોકોને વ્યસનથી દૂર રહેવાની પ્રેરણા મળે છે.
વ્યસનોને ગામમાં પ્રવેશવા ન દેવું એ ગામની સૌથી મોટી જીત
તેમણે ગ્રામજનો સાથે ભજન ગાઈને આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તમારી સાથે અદ્ભુત ભજન કરીને ખૂબ આનંદ થયો. બીડી, સિગારેટ, તમાકુ અને દારૂ જેવા વ્યસનોને ગામમાં પ્રવેશવા ન દેવું એ ગામની સૌથી મોટી જીત છે. આ ઉપરાંત હર્ષ સંઘવીએ રાજ્યમાં ચાલી રહેલા ડ્રગ્સમુક્તિ અભિયાનમાં પણ ભેખડિયા ગામના લોકોનો સહયોગ માગ્યો હતો. તેમણે વ્યસનમુક્તિના આ સંદેશને વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. ભેખડિયા ગામની આ પહેલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. સામૂહિક સંકલ્પ અને જાગૃતિથી વ્યસનમુક્ત સમાજનું નિર્માણ શક્ય છે, તે ભેખડિયા ગામે સાબિત કર્યું છે.




