અમેરિકાના ઓહાયોમાં ભીષણ આગનો કાળો કહેર! ખેડાના ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત



અમેરિકાના ઓહાયોમાં ભીષણ આગનો કાળો કહેર! ખેડાના ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત



અમેરિકા અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી ગુજરાત માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓહાયોના એક મોટેલમાં લાગેલી ભીષણ આગમાં ખેડા જિલ્લાના મૂળ વતની એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. ઘટનાને પગલે પરિવારજનો અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૃતકોની ઓળખ ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી હિતેશભાઈ સુથાર, તેમના પત્ની હિનાબેન સુથાર અને 20 વર્ષની પુત્રી ઈશાની સુથાર તરીકે થઈ છે. પરિવાર છેલ્લા લગભગ બે વર્ષથી અમેરિકાના ઓહાયો રાજ્યના વુસ્ટર (Wooster) શહેરમાં રહેતો હતો અને ત્યાં આવેલા Econo Lodge Motelમાં જ રહેવાની સાથે કામ પણ કરતો હતો.
ગુરુવારે વહેલી સવારે સ્થાનિક સમય મુજબ આશરે 1:30 વાગ્યે મોટેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી ફેલાતાં પરિવાર પોતાના રૂમમાં જ ફસાઈ ગયો હતો. પરિસ્થિતિ ગંભીર બનતાં હિતેશભાઈએ મોટેલના ફ્રન્ટ ડેસ્ક પર ફોન કરીને મદદ માંગી હતી. તેમને બાથરૂમમાં જઈ પાણી ચાલુ રાખીને રેસ્ક્યૂ ટીમ આવે ત્યાં સુધી અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી હતી.
પરિવારે સૂચના મુજબ બાથરૂમમાં આશરો લીધો હતો, પરંતુ આગમાંથી નીકળતા ધુમાડા અને ગૂંગળામણના કારણે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ ત્રણેયના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ એટલી વિકરાળ હતી કે અનેક વખત બચાવ કામગીરીનો પ્રયાસ કરવા છતાં અંદર ફસાયેલા લોકો સુધી સમયસર પહોંચી શકાયું નહોતું. ઘટનામાં મોટેલના અન્ય કોઈ મહેમાનના મોત કે ઈજા થઈ નથી. જોકે આગ પર કાબૂ મેળવવાની કામગીરી દરમિયાન એક ફાયર ફાઇટરને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જણાવાયું છે.
હાલ સ્થાનિક સત્તાવાળાઓએ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ તેમજ ખેડા જિલ્લામાં શોકની લાગણી વ્યાપી દીધી છે.




