Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડીને કરી સંજય માંજરેકરની બરાબરી

Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ઉતરતાની સાથે જ સતત 33 અલગ-અલગ મેદાનો પર ટેસ્ટ રમવાના રેકોર્ડની બરાબરી કરી અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યો છે.
Nancy Shukal
Nancy Shukal
Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે સચિનને પાછળ છોડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડYashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે સચિનને પાછળ છોડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે સચિનને પાછળ છોડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Yashasvi Jaiswal: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને અંતિમ મેચ 27 નવેમ્બરથી ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર શરૂ થઈ છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં મેદાન પર ફિલ્ડિંગ કરવા ઉતરતાની સાથે જ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે એક ખાસ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી હતી. આ સાથે તેને ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે.

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ સતત અલગ-અલગ મેદાનો પર ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ તેના કરિયરની 33મી ટેસ્ટ મેચ છે અને આ તમામ મેચ તેને અલગ-અલગ મેદાનો પર રમી છે. આ સિદ્ધિ સાથે તેને ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરની બરાબરી કરી છે.

સચિન તેંડુલકરને છોડ્યા પાછળ

યશસ્વી જયસ્વાલે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન રોઝોમાં આવેલા વિન્ડસર પાર્ક ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી તેને 33 ટેસ્ટ મેચ અલગ-અલગ મેદાનો પર રમી છે. આ મામલે તેને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. સચિને ટેસ્ટ ડેબ્યૂ બાદ સતત 32 મેચ અલગ-અલગ મેદાનો પર રમી હતી. ડેબ્યૂ બાદ સતત અલગ-અલગ મેદાનો પર સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીઓના લિસ્ટમાં સંજય માંજરેકર અને યશસ્વી જયસ્વાલ સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે.

ડેબ્યૂ બાદ અલગ-અલગ મેદાનો પર સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડીઓ

સંજય માંજરેકર (ભારત) – 33 ટેસ્ટ

યશસ્વી જયસ્વાલ (ભારત) – 33 ટેસ્ટ*

સચિન તેંડુલકર (ભારત) – 32 ટેસ્ટ

જવાગલ શ્રીનાથ (ભારત) – 24 ટેસ્ટ

દિનેશ રામદીન (વેસ્ટ ઈન્ડિઝ) – 24 ટેસ્ટ

સંજય માંજરેકરનો રેકોર્ડ પણ તોડી શકે છે યશસ્વી જયસ્વાલ

યશસ્વી જયસ્વાલ પાસે હવે સંજય માંજરેકરનો રેકોર્ડ તોડવાની તક છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમ આગામી વર્ષે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ 21 જાન્યુઆરીથી નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની છે.

યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી આ મેદાન પર કોઈ ટેસ્ટ મેચ રમી નથી. જો તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં રમવા ઉતરશે, તો સતત 34મી ટેસ્ટ અલગ મેદાન પર રમવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે અને સંજય માંજરેકરને પાછળ છોડી દેશે.

આ પણ વાંચો: Ind Vs NZ: ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટાની ટક્કર, આકાશદીપે લીધી 2 વિકેટ