WPL 2027: WPLના વેન્યુમાં મોટો ફેરફાર, હવે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે મુંબઈની તમામ મેચ

WPL 2027: WPL 2027માં મુંબઈના તમામ 11 લીગ મેચ, એલિમિનેટર અને ફાઈનલ હવે બ્રેબોર્નને બદલે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
Nancy Shukal
Nancy Shukal
WPL 2027ના વેન્યુમાં થયો મોટો ફેરફારWPL 2027ના વેન્યુમાં થયો મોટો ફેરફાર

WPL 2027ના વેન્યુમાં થયો મોટો ફેરફાર

WPL 2027: વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2027ની મેચોના સ્થળમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રવિવાર, 15 નવેમ્બરે જાહેરાત કરી છે કે મુંબઈમાં યોજાનારી તમામ લીગ મેચ, એલિમિનેટર અને ફાઈનલ હવે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. અગાઉ આ તમામ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવવાની હતી. પરંતુ મેદાન બદલવામાં આવ્યું છે, પરંતુ મેચની તારીખો અને સમગ્ર શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ICCની સૂચના બાદ વેન્યુ બદલવાનો નિર્ણય

BCCIના જણાવ્યા અનુસાર, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સૂચનાને ધ્યાનમાં રાખીને મુંબઈના મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં 14 ફેબ્રુઆરીથી શરૂ થનારી પ્રથમ વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની છે. આવી સ્થિતિમાં WPL પૂર્ણ થયા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં પિચને ફરીથી તૈયાર કરવા માટે પૂરતો સમય મળી શકે તેમ ન હતો.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુંબઈમાં યોજાનારી તમામ 11 મેચો બ્રેબોર્ન સ્ટેડિયમને બદલે વાનખેડે સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી એલિમિનેટર અને 7 ફેબ્રુઆરીએ રમાનારી ફાઈનલ મેચનો પણ સમાવેશ થાય છે.

WPL 2027 14 જાન્યુઆરીથી શરૂ થશે

વિમેન્સ પ્રીમિયર લીગની પાંચમી સિઝનમાં કુલ 5 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટની શરૂઆત 14 જાન્યુઆરી 2027ના રોજ વડોદરાથી થશે. અહીં 24 જાન્યુઆરી સુધી પ્રથમ 11 મેચ રમાશે. ત્યારબાદ ટુર્નામેન્ટનો બીજો તબક્કો મુંબઈમાં યોજાશે.

મુંબઈમાં મેચોની શરૂઆત 26 જાન્યુઆરીથી થશે. પ્રથમ મેચમાં ગત સિઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામસામે ટકરાશે. મુંબઈમાં કુલ 11 મેચ રમાશે. આ તબક્કાની છેલ્લી લીગ મેચ 3 ફેબ્રુઆરીએ દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે યોજાશે.

7 ફેબ્રુઆરીએ રમાશે ફાઈનલ

લીગ તબક્કા બાદ 5 ફેબ્રુઆરીએ એલિમિનેટર અને 7 ફેબ્રુઆરીએ ફાઈનલ મેચ રમાશે. બંને મહત્વપૂર્ણ મેચ પણ વાનખેડે સ્ટેડિયમમાં જ યોજાશે. BCCIએ સ્પષ્ટ કર્યું છે કે વેન્યુમાં ફેરફાર થયો હોવા છતાં અગાઉ જાહેર કરેલી મેચની તારીખો અને સમયમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. હવે મુંબઈના ક્રિકેટ ફેન્સને વાનખેડે સ્ટેડિયમમાં WPL 2027ની રોમાંચક મેચ માણવા મળશે.

આ પણ વાંચો: Lakshya Sen: લક્ષ્ય સેને રચ્યો ઈતિહાસ, જાપાનમાં તિરંગો લહેરાવી કુમામોટો માસ્ટર્સ જીતનાર પ્રથમ ભારતીય બન્યો