Vaibhav Sooryavanshi Double Century: 28 સિક્સ, 53 બોલ અને 204 રન... વૈભવ સૂર્યવંશીએ ફટકારી વનડે ક્રિકેટની સૌથી ઝડપી બેવડી સદી

Vaibhav Sooryavanshi Double Century: વૈભવ સૂર્યવંશીએ UAE સામે 53 બોલમાં 204 રન ફટકાર્યા. 28 છગ્ગા સાથે તેને ઝડપી સદી, 150 રન અને બેવડી સદીના રેકોર્ડ તોડ્યા.
Nancy Shukal
Nancy Shukal
Vaibhav Sooryavanshi Double Century: વૈભવ સૂર્યવંશીએ મચાવી ધૂમVaibhav Sooryavanshi Double Century: વૈભવ સૂર્યવંશીએ મચાવી ધૂમ

Vaibhav Sooryavanshi Double Century: વૈભવ સૂર્યવંશીએ મચાવી ધૂમ

Vaibhav Sooryavanshi Double Century: ભારતીય ક્રિકેટની યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે. 15 વર્ષના લેફ્ટ બેટરે UAE સામે માત્ર 53 બોલમાં 204 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેને માત્ર 28 બોલમાં પોતાની સદી અને 52 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. તેની આ ઈનિંગને વનડે ક્રિકેટના ઈતિહાસની સૌથી ઝડપી બેવડી સદી ગણાવવામાં આવી રહી છે.

વૈભવે પોતાની આ તોફાની ઈનિંગમાં કુલ 28 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેને એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તેની બેટિંગ સામે UAEના બોલર્સ લાચાર જોવા મળ્યા હતા.

વૈભવે એકસાથે તોડ્યા અનેક વર્લ્ડ રેકોર્ડ

વૈભવ સૂર્યવંશીએ પોતાની 204 રનની ઈનિંગ દરમિયાન અનેક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા હતા. તેને માત્ર 28 બોલમાં સદી પૂરી કરી હતી, જે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે. આ સિવાય તેને 40 બોલમાં 150 રન પૂરા કરીને વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

સૌથી ખાસ વાત એ છે કે વૈભવે માત્ર 52 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે તેને ન્યૂઝીલેન્ડના ચેડ બોયસનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ચેડ બોયસે 103 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ

વૈભવની ઈનિંગમાં 28 છગ્ગા સામેલ હતા. આ સાથે તેને પ્રોફેશનલ ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલાં આ રેકોર્ડ તન્મય અગ્રવાલના નામે હતો, જેને અરુણાચલ પ્રદેશ સામે રણજી ટ્રોફીમાં 26 છગ્ગા ફટકાર્યા હતા.

લિસ્ટ-A ક્રિકેટની એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે પણ વૈભવે નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2018માં ડાર્સી શોર્ટે 23 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ વૈભવે 28 છગ્ગા ફટકારીને આ આંકડો પાછળ છોડી દીધો હતો.

લિસ્ટ-A ક્રિકેટની સૌથી ઝડપી સદી

28 બોલ – વૈભવ સૂર્યવંશી, ભારત વિરુદ્ધ UAE, 2026

29 બોલ – જેક ફ્રેઝર-મેકગર્ક, સાઉથ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તાસ્માનિયા, 2023

31 બોલ – એબી ડિવિલિયર્સ, સાઉથ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 2015

32 બોલ – સકીબુલ ગની, બિહાર વિરુદ્ધ અરુણાચલ પ્રદેશ, 2025

વૈભવની આ ઈનિંગે ફરી એકવાર સાબિત કર્યું છે કે યુવા ભારતીય બેટરમાં કેટલી વિસ્ફોટક ક્ષમતા છે. તેની આ રેકોર્ડબ્રેક ઈનિંગ ક્રિકેટપ્રેમીઓ માટે લાંબા સમય સુધી યાદગાર બની રહેશે.

આ પણ વાંચો: Harpreet Singh Bhatia: ક્યારેક ભારત માટે રમવાનું જોયું હતું સપનું, હવે UAEની જર્સીમાં હરપ્રીત સિંહે ઈન્ડિયા-A સામે ફટકારી સદી