Harpreet Singh Bhatia: ક્યારેક ભારત માટે રમવાનું જોયું હતું સપનું, હવે UAEની જર્સીમાં હરપ્રીત સિંહે ઈન્ડિયા-A સામે ફટકારી સદી


Harpreet Singh Bhatia: હરપ્રીત સિંહે ઈન્ડિયા-A સામે ફટકારી સદી
Harpreet Singh Bhatia: ક્યારેક ભારત માટે રમવાનું જોયું હતું સપનું, હવે UAEની જર્સીમાં હરપ્રીત સિંહે ઈન્ડિયા-A સામે ફટકારી સદી


Harpreet Singh Bhatia: હરપ્રીત સિંહે ઈન્ડિયા-A સામે ફટકારી સદી
Harpreet Singh Bhatia: જે ખેલાડીએ એક સમયે ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોયું હતું, તે હવે UAEની ટીમ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હરપ્રીત સિંહ ભાટિયાએ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં ઈન્ડિયા-A સામે યાદગાર સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. 24 નવેમ્બરે દોહામાં રમાયેલી ટૂર્નામેન્ટની 11મી મેચમાં 35 વર્ષના બેટરે ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો.
હર્ષિત રાણાની બોલ પર સિક્સ ફટકારી પૂરી કરી સદી
તિલક વર્માની કેપ્ટનશિપ હેઠળની ઈન્ડિયા-A સામે ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલા લેફ્ટ બેટર હરપ્રીતે શરૂઆતથી જ ધીરજ સાથે બેટિંગ કરી હતી. તેને 120 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ખાસ વાત એ હતી કે હર્ષિત રાણાની બોલ પર છગ્ગો ફટકારીને તેને આ સિદ્ધિ મેળવી હતી.
હરપ્રીતે પોતાની ઈનિંગમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેને મુહમ્મદ શહજાદ અને એથન ડિસોઝા સાથે મહત્વપૂર્ણ પાર્ટનરશીપ પણ કરી હતી. અંતે તે 144 બોલમાં 130 રન બનાવીને આઉટ થયો હતો. તેની આ શાનદાર ઈનિંગના આધારે UAEની ટીમે 50 ઓવરમાં 8 વિકેટે 249 રન બનાવ્યા હતા.
ભારતીય અંડર-19 ટીમનો વાઈસ-કેપ્ટન રહી ચૂક્યો છે
હરપ્રીત સિંહ ભાટિયાનો ભારતીય ક્રિકેટ સાથે જૂનો સંબંધ છે. તેને કરિયરની શરૂઆતમાં જ વયજૂથ ક્રિકેટમાં પોતાની પ્રતિભા સાબિત કરી હતી. 2008-09ની કૂચ બિહાર ટ્રોફીમાં તેને 7 મેચમાં 709 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનના આધારે તેને સિઝનનો સર્વશ્રેષ્ઠ અંડર-19 ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2009માં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ભારતીય અંડર-19 ટીમમાં તેને વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પ્રવાસમાં તેને 52.40ની એવરેજથી 262 રન બનાવ્યા હતા. તે 2010ના અંડર-19 વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડ ગયેલી ભારતીય ટીમનો પણ ભાગ હતો. આ ટીમમાં કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ જેવા ખેલાડીઓ પણ સામેલ હતા.
રણજી ટ્રોફી અને IPLમાં પણ રમી ચૂક્યો છે
હરપ્રીતે 2009-10ની રણજી ટ્રોફી સિઝનમાં મધ્યપ્રદેશ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2018માં તે છત્તીસગઢની ટીમ સાથે જોડાયો હતો. 2017-18ની રણજી સિઝનમાં તેને 629 રન બનાવ્યા હતા, જ્યારે આગામી સિઝનમાં તેના બેટમાંથી 627 રન બન્યા હતા. વિજય હજારે ટ્રોફી 2022-23માં પણ તેને 7 ઈનિંગમાં 516 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી સામેલ હતી.
IPLમાં તેને 2010માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે પુણે વોરિયર્સ ઈન્ડિયા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની ટીમ સાથે પણ જોડાયો હતો. તેના IPL કરિયરમાં તેને કુલ 9 મેચ રમીને 123 રન બનાવ્યા હતા.
2026માં UAEની ટીમમાં સામેલ થયો
ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ હરપ્રીતની કરિયરે વર્ષ 2026માં નવો વળાંક લીધો હતો. UAEની નાગરિકતા મળ્યા બાદ તે આ દેશની નેશનલ ટીમ તરફથી રમવા માટે પાત્ર બન્યો હતો. તેને એપ્રિલમાં નેપાળ સામે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ જ મહિને તેને વનડે ક્રિકેટમાં પણ ડેબ્યૂ કર્યું હતું. હવે ઈન્ડિયા-A સામેની સદી સાથે તેને ફરી એકવાર પોતાની બેટિંગ ક્ષમતા સાબિત કરી છે.
આ પણ વાંચો: Shubman Gill: ICC આ નિર્ણયની નહીં કરે સમીક્ષા, શુભમન ગિલે કરી હતી મંજૂરી આપવાની અપીલ




