Shubman Gill: શુભમન ગિલે BCCIના શેડ્યૂલ પર ઉઠાવ્યા સવાલ! કહ્યું- 'પહેલાં વનડે સિરીઝ હોવી જોઈતી...'

Shubman Gill: ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ પહેલાં શુભમન ગિલે શેડ્યૂલ અંગે અભિપ્રાય આપ્યો. તેમને પહેલાં વનડે, પછી T20 અને અંતે ટેસ્ટ સિરીઝ યોજવાની વાત કરી.
Nancy Shukla
Shubman Gill: શુભમન ગિલે ઉઠાવ્યા સવાલ!Shubman Gill: શુભમન ગિલે ઉઠાવ્યા સવાલ!

Shubman Gill: શુભમન ગિલે ઉઠાવ્યા સવાલ!

Shubman Gill: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સિરીઝનો પ્રારંભ 4 નવેમ્બરથી થવા જઈ રહ્યો છે. સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે શેડ્યૂલ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. શુભમન ગિલના મતે, પહેલાં વનડે સિરીઝ, ત્યારબાદ T20 સિરીઝ અને અંતે ટેસ્ટ સિરીઝ યોજાઈ હોત તો વધુ સારું રહેતું. તેમના આ નિવેદનથી BCCI દ્વારા મંજૂર કરાયેલા કાર્યક્રમ અંગે ચર્ચા શરૂ થઈ છે.

વનડે પહેલાં T20 સિરીઝ યોજવા અંગે ગિલનો મત

ઓકલેન્ડમાં પ્રથમ વનડે પહેલાં વાતચીત દરમિયાન શુભમન ગિલે કહ્યું કે જો તેમના હાથમાં શેડ્યૂલ નક્કી કરવાની જવાબદારી હોત તો તેઓ પહેલાં વનડે સિરીઝ, ત્યારબાદ T20 સિરીઝ અને સૌથી છેલ્લે ટેસ્ટ સિરીઝ રાખવાનું પસંદ કરતા. તેમના મતે આ રીતે વનડેમાં તમામ ફિટ ખેલાડીઓ સાથે મજબૂત ટીમ ઉતારી શકાય.

શુભમન ગિલે સ્પષ્ટ કર્યું કે તેમના માટે વનડે અને ટેસ્ટ બંને સિરીઝ મહત્વની છે. પરંતુ વનડે સિરીઝ બાદ તરત જ 2 ટેસ્ટ મેચ રમવાની હોવાથી કેટલાક ખેલાડીઓ વનડેની અંતિમ મેચોમાં ઉપલબ્ધ રહી શકશે નહીં.

છેલ્લી બે વનડેમાં ગિલ નહીં રમે, શ્રેયસ ઐયરને મળશે જવાબદારી

5 મેચની આ સિરીઝની પ્રથમ 3 વનડેમાં શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ત્યારબાદ ટેસ્ટ સિરીઝની તૈયારી માટે તેઓ ટીમમાંથી બહાર થશે. તેમના સ્થાને છેલ્લી 2 વનડેમાં શ્રેયસ ઐયર ટીમની કમાન સંભાળશે. ટેસ્ટ ટીમનો ભાગ હોય તેવા અન્ય ખેલાડીઓ પણ અંતિમ બે વનડેમાં રમી શકશે નહીં.

WTC ફાઈનલની રેસને લઈને ગિલે શું કહ્યું?

આગામી વર્ષે જૂનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ રમાવાની છે. હાલમાં ફાઈનલમાં પહોંચનારી બંને ટીમો નક્કી થઈ નથી. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરીઝ બાદ ભારત માટે પણ ફાઈનલમાં પહોંચવાની આશા વધી છે.

આ અંગે શુભમન ગિલે કહ્યું કે ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચમાં ભારતે સારું પ્રદર્શન કરવું પડશે. ત્યારબાદ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં પણ સારો દેખાવ કરવો જરૂરી છે. જો ટીમ આ બંને પડકારોમાં સફળ રહેશે તો WTC ફાઈનલમાં પહોંચવાની સંભાવના મજબૂત બની શકે છે. આગામી વર્ષે યોજાનારા વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને પણ ભારતીય ટીમ માટે વનડે ફોર્મેટમાં મજબૂત સંયોજન તૈયાર કરવું મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો: Kareena Kapoor: 16 વર્ષ બાદ ‘કોફી વિથ કરણ’માં સૈફ-કરીનાનું રિયુનિયન, છેલ્લી સિઝનમાં જોવા મળશે કપલનો બેબાક અંદાજ