Ind Vs NZ: ભારતને ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલાં મોટો ઝટકો, પ્રસિદ્ધ કૃષ્ણા થયો બહાર


Ind Vs NZ
Ind Vs NZ: ભારતને ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝ પહેલાં મોટો ઝટકો, પ્રસિદ્ધ કૃષ્ણા થયો બહાર


Ind Vs NZ
Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી શરૂ થનારી 5 મેચની ODI સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા હેમસ્ટ્રિંગની ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થયો હોવાથી આ સિરીઝમાં રમી શકશે નહીં. તેની ગેરહાજરીમાં જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીનું નસીબ ચમકી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સિલેક્ટર્સ આકિબને ટીમમાં સામેલ કરવા અંગે વિચાર કરી શકે છે.
પ્રસિદ્ધ કૃષ્ણાની ફિટનેસ પર નજર
પ્રસિદ્ધ કૃષ્ણા હાલમાં પોતાની ઈજામાંથી બહાર આવવા માટે મહેનત કરી રહ્યો છે. તેની ફિટનેસ અને મેચ રમવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે 1 અને 2 નવેમ્બરે બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે મેચ સિમ્યુલેશન અને ફિટનેસ ટેસ્ટ યોજાવાના છે.
મીડિયા રિપોર્ટ મુજબ BCCIના એક સૂત્રએ જણાવ્યું છે કે પ્રસિદ્ધની રિકવરી સારી ચાલી રહી છે. પરંતુ ટીમ મેનેજમેન્ટ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ તેને ઉતાવળમાં મેદાન પર ઉતારવા માગતી નથી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણે રમાયેલી ODI સિરીઝ દરમિયાન પ્રસિદ્ધને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ત્યારથી તે ક્રિકેટથી દૂર છે.
ટેસ્ટ સિરીઝ માટે ફિટ કરવાનું પ્રાથમિક લક્ષ્ય
ટીમ મેનેજમેન્ટ પ્રસિદ્ધ કૃષ્ણાને આગામી ટેસ્ટ સિરીઝ પહેલાં સંપૂર્ણ ફિટ જોવા માગે છે. મીડિયા રિપોર્ટ મુજબ ફાસ્ટ ફોર્મેટમાં તેની જરૂરિયાત વધુ હોવાથી તેને પૂરતો આરામ અને રિકવરીનો સમય આપવામાં આવી રહ્યો છે. આ જ કારણસર ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં તેમને ઉતારવાનું ટાળવામાં આવી રહ્યું છે.
આકિબ નબીને મળી શકે છે તક
પ્રસિદ્ધ કૃષ્ણાની ગેરહાજરીમાં જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબી માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ખુલી શકે છે. તેને ન્યૂઝીલેન્ડ-A સામે લિંકન ખાતે રમાયેલી ભારત-Aની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા. આકિબના પ્રદર્શનથી સિલેક્ટર્સનું ધ્યાન ખેંચાયું હોવાનું માનવામાં આવે છે. હવે તેને ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમમાં સ્થાન મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. પરંતુ તેના સમાવેશ અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
આ પણ વાંચો: ICC Ranking: અભિષેક શર્માએ મચાવી ધૂમ, ઈશાન કિશન પાસેથી છીનવ્યો નંબર-1નો તાજ





