Kutch: કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર કચ્છની દીકરી સભાઈબેન ગઢવીનું ભુજમાં સન્માન

Kutch: કોમનવેલ્થ ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ જીતનાર કચ્છના મોટા ભાડિયાની સભાઈબેન ગઢવીનું ભુજ ખાતે સન્માન કરવામાં આવ્યું.
Nancy Shukla
Kutch: કોમનવેલ્થ ગોલ્ડ વિજેતા સભાઈબેન ગઢવીનું સન્માનKutch: કોમનવેલ્થ ગોલ્ડ વિજેતા સભાઈબેન ગઢવીનું સન્માન

Kutch: કોમનવેલ્થ ગોલ્ડ વિજેતા સભાઈબેન ગઢવીનું સન્માન

Kutch: કચ્છના નાનકડા ગામની દીકરીએ આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરચો બતાવી સમગ્ર ગુજરાત અને કચ્છનું નામ રોશન કર્યું છે. મોટા ભાડિયા ગામની વતની અને ખેડૂત પરિવારની દીકરી સભાઈબેન ગઢવીએ અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ભુજ ખાતે વિશેષ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

યુગાન્ડાને હરાવી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુગાન્ડા સામે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે વિજય મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ વિજેતા ટીમમાં સભાઈબેન ગઢવીએ ડિફેન્ડર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ સિદ્ધિની સૌથી ખાસ વાત એ છે કે ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં ગુજરાતમાંથી પસંદગી પામનાર સભાઈબેન એકમાત્ર મહિલા ખેલાડી હતાં. જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓથી શરૂ થયેલી તેમની રમતગમતની સફર આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે.

ખેડૂત પરિવારની દીકરીએ વધાર્યું કચ્છનું ગૌરવ

સભાઈબેનની આ સફળતા પાછળ તેમની મહેનત, લગન અને પરિવારનો સતત સહયોગ રહ્યો છે. ખેડૂત પરિવારની દીકરીએ રમતગમત ક્ષેત્રે આગળ વધીને દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. માતા-પિતા અને ભાઈઓના પ્રોત્સાહનથી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

ભુજમાં સભાઈબેનનું સન્માન

કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ બદલ ભુજના કવીઓ જૈન મહાજન દ્વારા સભાઈબેન ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાજનના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ તેમની સિદ્ધિને બિરદાવી હતી. તેમને ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે 'ખેલે ગુજરાત' અને 'ખેલો ઈન્ડિયા' જેવી પહેલને મહત્વપૂર્ણ ગણાવી હતી.

કચ્છના મોટા ભાડિયા ગામથી નીકળેલી સભાઈબેન ગઢવીએ પોતાની મહેનત અને પ્રતિભાના જોરે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. તેમની આ સફળતા માત્ર પરિવાર કે ગામ માટે જ નહીં, પરંતુ સમગ્ર કચ્છ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે. તેમની સિદ્ધિ અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ છે.

આ પણ વાંચો: IPL 2027: ઓક્શન પહેલાં CSK અને SRH વચ્ચે મોટો ટ્રેડ, 4 ખેલાડીઓની ટીમમાં અદલાબદલી