Jamnagar News: 19 વર્ષથી ફરાર હત્યાનો આરોપી બિહારથી ઝડપાયો, જામનગર LCBને મળી મોટી સફળતા


Jamnagar News
Jamnagar News: 19 વર્ષથી ફરાર હત્યાનો આરોપી બિહારથી ઝડપાયો, જામનગર LCBને મળી મોટી સફળતા


Jamnagar News
Jamnagar News: જામનગર જિલ્લામાં વર્ષ 2007માં મહિલાની હત્યા કરીને ફરાર થઈ ગયેલા આરોપીને આખરે 19 વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે બિહારના સાસારામ શહેરમાંથી હત્યાના આરોપી અસલમ ઉર્ફે પપ્પુ અન્સારીની ધરપકડ કરી છે. આરોપી લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળોએ રહેતો હતો. જોકે, પોલીસની સતત તપાસ અને હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેને શોધી કાઢવામાં સફળતા મળી છે. આ કાર્યવાહીથી વર્ષો જૂના હત્યાના કેસમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ છે.
કલમ 302 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2007માં જામનગર જિલ્લાના નાની ખાવડી ગામની સીમમાં રોશનબેન ઉર્ફે બિમલાદેવીની હત્યાનો બનાવ બન્યો હતો. આ ગુનામાં મહિલાના પતિ અસલમ ઉર્ફે પપ્પુ પર ગળેટૂંપો આપીને પત્નીની હત્યા કરવાનો આરોપ છે. બનાવ બાદ તે ફરાર થઈ ગયો હતો. આ મામલે પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારથી આરોપી પોલીસ પકડથી દૂર હતો.
પોલીસ દ્વારા આ કેસમાં આગળની તપાસ હાથ ધરવામાં આવશે
તપાસ દરમિયાન આરોપી મૂળ બિહારના રોહતાસ જિલ્લાના નાસરીગંજ તાલુકાના મોના ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. તે નામ અને ઓળખ બદલીને અલગ-અલગ સ્થળોએ રહેતો હોવાની માહિતીના આધારે જામનગર LCBએ બિહારમાં તપાસનો વ્યાપ વધાર્યો હતો. પોલીસે ત્યાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ વિકસાવી આરોપીની ગતિવિધિઓ પર નજર રાખી હતી. આખરે બિહારના સાસારામ શહેરમાં ભવન નિર્માણ સંબંધિત એક ઓફિસમાં કામ કરતો અસલમ ઉર્ફે પપ્પુ પોલીસના હાથે ઝડપાયો હતો. 19 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ બાદ LCBએ તેને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પંચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. હવે પોલીસ દ્વારા આ કેસમાં આગળની તપાસ હાથ ધરવામાં આવશે.





