Get News Alerts

Never miss breaking news updates.

Khele Sanand Sports Utsav 2026 થયો પૂર્ણ, 105 ગામના 45,000થી વધુ યુવા રમતવીરોને એકમંચ પર લાવ્યા

Khele Sanand Sports Utsav 2026: 150થી વધુ શાળાઓમાં 18 દિવસ સુધી ચાલેલી રમતગમતની ચળવળમાં સત્યાન જ્ઞાનશેખરન, પવન માન સિંહ અને વેદાંત ત્રિવેદીએ ગ્રાસરૂટ સ્પોર્ટિંગ ટેલેન્ટને બિરદાવ્યા.
Nancy ShuklaUpdated on: 08 Oct 2026 05:43 PM IST
Khele Sanand Sports Utsav 2026 થયો પૂર્ણ, 105 ગામના 45,000થી વધુ યુવા રમતવીરોને એકમંચ પર લાવ્યાKhele Sanand Sports Utsav 2026 થયો પૂર્ણ, 105 ગામના 45,000થી વધુ યુવા રમતવીરોને એકમંચ પર લાવ્યા

Khele Sanand Sports Utsav 2026

Khele Sanand Sports Utsav 2026: વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ 2026ની આજે સંસ્કારધામ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી. આ સાથે જ 18 દિવસીય રમતગમત ચળવળનું સમાપન થયું, જેમાં સાણંદ તાલુકાના તમામ 105 ગામોની 150થી વધુ શાળાઓના 45,000થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો હતો. 17 સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલી આ પહેલ દ્વારા રમતગમત ક્ષેત્રે નવી પ્રતિભાઓની વહેલી ઓળખ અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન શક્ય બન્યું છે, જે ગ્રાસરૂટ સ્પોર્ટ્સથી લઈને ઓલિમ્પિક સ્ટેજ સુધીનો માર્ગ સરળ કરવાની સાથે સમગ્ર સાણંદમાં રમતગમતની સંસ્કૃતિને મજબૂત કરે છે.

આ સમારોહમાં રમતગમત જગતની જાણીતી હસ્તીઓ અને અગ્રણીઓએ આપી હાજરી

સમાપન સમારોહમાં રમતગમત જગતની જાણીતી હસ્તીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અર્જુન એવોર્ડી અને ટેબલ ટેનિસ ખેલાડી સત્યાન જ્ઞાનશેખરન, એમએમએ ફાઇટર પવન માન સિંહ, ક્રિકેટર વેદાંત ત્રિવેદી તેમજ વીબીએફના ડિરેક્ટર્સ જલજ દાણી, ધનરાજ નથવાણી અને દુર્ગેશ અગ્રવાલ સામેલ હતા. આ સમારોહ તાલુકાભરમાં યોજાયેલી સ્પર્ધાઓનો અંતિમ તબક્કો હતો, જેમાં ઉત્સવનો ભાગ બનેલા યુવા ખેલાડીઓ, શાળાઓ અને સમુદાયોની ઉજવણી કરવામાં આવી હતી.

સ્પોર્ટ્સ ઉત્સવ અંતર્ગત ગર્લ્સ અને બોયઝ કેટેગરીમાં 23 વિવિધ ઈવેન્ટ્સમાં સ્પર્ધાઓ યોજાઈ

સ્પોર્ટ્સ ઉત્સવ અંતર્ગત ગર્લ્સ અને બોયઝ કેટેગરીમાં 23 વિવિધ ઈવેન્ટ્સમાં સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ કેટેગરીમાં કુલ 336 મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. અંતિમ દિવસના કાર્યક્રમના ભાગરૂપે, મુખ્ય અતિથિએ અંડર-17 60 મીટરના ફાઈનલિસ્ટ, અંડર-14 50 મીટર સાયકલિંગ, અંડર-8 સોફ્ટબોલના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ અંડર-11 કિટ્સ જેવેલિન અને અંડર-14 અને અંડર-17 ટગ ઓફ વોર (રસ્સા ખેંચ)ની ફાઈનલ નિહાળી હતી.

સમાપન સમારોહમાં 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધીની ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવની યાત્રા દર્શાવવામાં આવી હતી અને ખેલે સાણંદના માસ્કોટ (શુભંકર) 'વીર' અને 'ગરવી'નું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે રમતગમત દ્વારા બાળકો અને સમુદાયોને એકસાથે લાવવાના ચળવળના ઉદ્દેશ્યનું પ્રતીક છે.

સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે આ શ્રેષ્ઠ સમય: સત્યાન જ્ઞાનશેખર

અર્જુન એવોર્ડી અને ટેબલ ટેનિસ ખેલાડી સત્યાન જ્ઞાનશેખરને જણાવ્યું હતું કે, “બાળકોમાં રહેલો ઉત્સાહ અને વિજયી ભારત ફાઉન્ડેશને ખેલે સાણંદ દ્વારા જે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તે જોવું અદ્ભુત છે. આ રમતગમતને વધુ સુલભ બનાવવા અને ગ્રાસરૂટ સ્તરે તકો ઊભી કરવાના વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે. અહીંનો ઉત્સાહ જોઈને હું દ્રઢપણે માનું છું કે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે આ શ્રેષ્ઠ સમય છે. હું દરેક બાળકને રમતા રહેવા માટે પ્રોત્સાહિત કરીશ, કારણ કે રમત તમને સમર્પણ, શિસ્ત અને ટીમ વર્ક શીખવે છે. તમે જીતો કે હારો, મહત્વનું એ છે કે તમે રમવાનું ચાલુ રાખો અને સુધારો કરતા રહો.”

એમએમએ ફાઈટર પવન માન સિંહે જણાવ્યું હતું કે, “ખેલે સાણંદ દ્વારા સુવિધાઓ અને પ્લેટફોર્મનો જે સ્કેલ ઊભો કરવામાં આવ્યો છે તે વિશાળ છે અને નાની ઉંમરે બાળકોને આવી તકો આપવામાં આવી રહી છે તે પ્રોત્સાહક છે. આ પ્રકારની પહેલો બાળકોને એક્સેસ, પ્રોત્સાહન અને સ્પર્ધા કરવાનો આત્મવિશ્વાસ આપીને રમતગમતને તેમની સફરનો અર્થપૂર્ણ ભાગ બનાવી શકે છે. VBF એવું વાતાવરણ ઊભુ કરી રહ્યું છે જ્યાં બાળકોને રમતગમત અપનાવવા અને તેને ગંભીરતાથી આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તે જોઈને ખૂબ આનંદ થાય છે.”

ગ્રાસરૂટના એથ્લેટ્સને આગળ વધવા માટે જરૂરી ધ્યાન અને તકો

ક્રિકેટર વેદાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ગુજરાતનો હોવાના નાતે, VBF ગ્રાસરૂટના એથ્લેટ્સને આગળ વધવા માટે જરૂરી ધ્યાન અને તકો આપી રહ્યું છે તે જોઈને મને ખરેખર ગર્વ થાય છે. રમતગમતની પ્રતિભા ગમે ત્યાંથી ઉભરી શકે છે, અને જે મહત્વનું છે તે યોગ્ય પ્લેટફોર્મ, માર્ગદર્શન અને તેને પોષવા માટેનો સપોર્ટ છે. ખેલે સાણંદ દ્વારા આટલા બધા બાળકોને ભાગ લેતા જોઈને મને વિશ્વાસ થાય છે કે આ પ્રકારની પહેલો મજબૂત રમતગમત સંસ્કૃતિનું નિર્માણ કરવામાં અને યુવા એથ્લેટ્સને તેમની પ્રતિભા આગળ લઈ જવાની તક આપવામાં મદદ કરી શકે છે.”

આ સમારોહમાં મેડલ વિજેતાઓનું સન્માન, ઉપસ્થિત મહાનુભાવોનું સંબોધન અને ચળવળમાં યોગદાન આપનાર વિદ્યાર્થીઓ અને શાળાઓની ઉજવણી કરવામાં આવી હતી.

સ્ટેટિસ્ટિકલ ડેટા મોડલ્સ અને પ્રિડિક્ટિવ એનાલિટિક્સ જેવા સાધનોનો પણ ઉપયોગ

ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવના કેન્દ્રમાં કોચ, સ્કાઉટ્સ અને સ્પોર્ટ્સ એક્સપર્ટ્સની આગેવાની હેઠળ મોટા પાયે ઓન-ગ્રાઉન્ડ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન (પ્રતિભા ઓળખ) પ્રક્રિયા હતી. નાની ઉંમરે આશાસ્પદ પ્રતિભાઓને ઓળખવા માટે રમત-વિશિષ્ટ ડ્રીલ્સ, શારીરિક કસોટીઓ અને પ્રદર્શનના માપદંડો દ્વારા એથ્લેટ્સનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ મૂલ્યાંકનને ટેકો આપવા માટે સ્ટેટિસ્ટિકલ ડેટા મોડલ્સ અને પ્રિડિક્ટિવ એનાલિટિક્સ જેવા સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી ગ્રાસરૂટ સ્તરેથી ભવિષ્યની રમતગમત પ્રતિભાઓને ઓળખવા અને વિકસાવવા માટે વધુ વૈજ્ઞાનિક માર્ગ બનાવી શકાય.

ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ એ VBFના એવા મોટા પ્રયાસનો એક ભાગ

ખેલે સાણંદ સ્પોર્ટ્સ ઉત્સવ એ VBFના એવા મોટા પ્રયાસનો એક ભાગ છે જેનો હેતુ પ્રતિભા સ્થાપિત રમતગમત કેન્દ્રો સુધી પહોંચે તે પહેલાં જ બાળકો માટે સંરચિત તકો ઊભી કરીને ગ્રાસરૂટ સ્તરે રમતગમતને મજબૂત બનાવવાનો છે. સ્પોર્ટ્સ ઉત્સવે સમગ્ર સાણંદમાં એક એવું પ્લેટફોર્મ સ્થાપિત કર્યું છે જેના મુખ્ય સંદેશમાં સમાયેલું છે: “દરેક બાળક. દરેક શાળા. એક રમતગમત ચળવળ. એક જીવંત સ્પોર્ટ્સ તાલુકો.”

વિજયી ભારત ફાઉન્ડેશન (VBF) એથ્લેટ્સ માટે ઉચ્ચતમ સ્તરે ભાગ લેવા, વિકાસ કરવા અને ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટેના માર્ગો બનાવીને ભારતની રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. તેનું વિઝન ભારતમાં એક અત્યાધુનિક ઓલિમ્પિક ટ્રેનિંગ સેન્ટર સ્થાપિત કરવાનું છે, જે ઉચ્ચ પ્રદર્શનનું એવું વાતાવરણ ઊભું કરે કે જે ઓલિમ્પિક શ્રેષ્ઠતાની ભારતની શોધને ટેકો આપે અને સાથે જ આંતરરાષ્ટ્રીય એથ્લેટ્સ માટે તાલીમ સ્થાન તરીકે પણ સેવા આપે.

VBFનું કામ ત્રણ મુખ્ય પહેલો પર વિસ્તરેલું છે - હાઈ-પર્ફોર્મન્સ સેન્ટર, કોમ્યુનિટી સ્પોર્ટ્સ અને ખેલે સાણંદ. હાઈ-પર્ફોર્મન્સ સેન્ટર જુડો, આર્ચરી (તીરંદાજી), શૂટિંગ અને ફેન્સિંગ (તલવારબાજી) પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે કોમ્યુનિટી સ્પોર્ટ્સ બેડમિન્ટન, ફૂટબોલ, ઈક્વેસ્ટ્રિયન (ઘોડેસવારી), ટેબલ ટેનિસ, માર્શલ આર્ટ્સ, શૂટિંગ અને ચેસ માટે વ્યાપક પહોંચ ઊભી કરે છે. ખેલે સાણંદ દ્વારા, VBF ખો-ખો, કબડ્ડી, વોલીબોલ અને એથ્લેટિક્સમાં ભાગીદારી, સ્પર્ધા અને પ્રતિભા ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાસરૂટ સ્તરે કામ કરે છે.

ખેલે સાણંદ પ્રોજેક્ટ વિશે

ખેલે સાણંદ એ વિજયી ભારત ફાઉન્ડેશન (VBF) દ્વારા સાણંદ તાલુકામાં બાળકો અને યુવાનોમાં રમતગમત અને શારીરિક ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે 2023માં શરૂ કરાયેલી ગ્રાસરૂટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ પહેલ છે. આ પ્રોજેક્ટ ગામડાના સ્તરના ટ્રેનિંગ ક્લબ અને શાળાઓ દ્વારા સંરચિત રમતગમત તાલીમ, કોચિંગ અને સ્પર્ધાત્મક તકો પૂરી પાડે છે. તે કબડ્ડી, ખો-ખો, એથ્લેટિક્સ, વોલીબોલ અને અન્ય રમતોમાં ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે, જે શિસ્ત, ટીમ વર્ક, નેતૃત્વ અને રમતગમતની ભાવનાને પોષે છે. સંગઠિત લીગ, ટુર્નામેન્ટ, પ્રતિભા ઓળખ અને સામાજિક જોડાણ દ્વારા, ખેલે સાણંદનો ઉદ્દેશ્ય રમતગમતની પ્રતિભાને પોષવાનો, ગ્રાસરૂટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો અને ગ્રામીણ ગુજરાતમાં વધુ સ્વસ્થ, વધુ સક્રિય અને રમતગમત-સંચાલિત સમાજનું નિર્માણ કરવાનો છે.

આ પણ વાંચો: Khel Mahakumbh 2026: વડોદરામાં ‘ખેલ મહાકુંભ’નો શુભારંભ સમારોહ યોજાશે, રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.