Khel Mahakumbh 2026: વડોદરામાં ‘ખેલ મહાકુંભ’નો શુભારંભ સમારોહ યોજાશે, રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન


Khel Mahakumbh 2026
Khel Mahakumbh 2026: વડોદરામાં ‘ખેલ મહાકુંભ’નો શુભારંભ સમારોહ યોજાશે, રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન


Khel Mahakumbh 2026
Khel Mahakumbh 2026: વડોદરામાં ‘ખેલ મહાકુંભ’નો શુભારંભ સમારોહ યોજાશે. 21 જાન્યુઆરી 2027 સુધી રાજ્યભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે. 39 જેટલી રમતોમાં રેકોર્ડબ્રેક 76 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ 21 કેટેગરીમાં 25 જેટલી રમતોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2010માં શરૂ કરવામાં આવેલા ‘ખેલ મહાકુંભ’એ આજે રાજ્યના યુવાનોમાં રમતો પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આવતીકાલે વડોદરા ખાતે ‘ખેલ મહાકુંભ 2026’ નો શુભારંભ સમારોહ યોજાશે. રમતગમત રાજ્ય મંત્રી જયરામ ગામિત પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
રાજ્યભરમાં 76 લાખથી વધુ રમતવીરોએ વિવિધ રમતોમાં રજિસ્ટ્રેશન કરાવ્યું
ગુજરાતમાં રમતગમતની પ્રતિભા શોધવા માટે યોજાતો ખેલ મહાકુંભ-2026 આ વખતે વધુ વ્યાપક બન્યો છે. આ વર્ષે રાજ્યભરમાં 76 લાખથી વધુ રમતવીરોએ વિવિધ રમતોમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે ખેલ મહાકુંભની શરૂઆતથી અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. 21 જાન્યુઆરી, 2027 સુધી રાજ્યમાં 39 જેટલી વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે. જેમાં 45.43 લાખ ભાઈઓ અને 30.58 લાખ બહેનો ભાગ લેશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ માત્ર સ્પર્ધા પૂરતો કાર્યક્રમ નથી, પરંતુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છુપાયેલી રમત પ્રતિભાને શોધી તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનું પ્લેટફોર્મ બન્યું છે.

યુવાનોમાં શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે અને રમતોની સંસ્કૃતિનો વ્યાપ વધે તે આશય સાથે ‘ખેલ મહાકુંભ’ ની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2010માં યોજાયેલા પ્રથમ ખેલ મહાકુંભમાં 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેની સરખામણીએ આ વર્ષે 76 લાખથી વધુ રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજીસ્ટ્રેશન કરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
9 વર્ષથી નીચેના બાળકોથી 60 વર્ષથી વધુ વયના લોકો સુધી
ખેલ મહાકુંભની વિશેષતા એ છે કે તેમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ વિવિધ વયજૂથના નાગરિકો ભાગ લઈ શકે છે. ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા/મહાનગરપાલિકા, ઝોન અને રાજ્ય કક્ષાએ યોજાશે, જેમાં 9 વર્ષથી નીચેના બાળકોથી લઈને 40 અને 50 વર્ષથી ઉપરના વયજૂથના નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
દિવ્યાંગ ખેલાડીઓ માટે 21 કેટેગરી
શારીરિક રીતે સંપૂર્ણ સક્ષમ ન હોય તેવા ખેલાડીઓ પણ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે હેતુથી ખેલમહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ 21 કેટેગરીમાં 25 જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિજેતાઓને DBT/RTGS દ્વારા પુરસ્કાર
આ મહાકુંભથી રાજ્યના યુવા ખેલાડીઓને રમતગમતનું એક પ્લેટફોર્મ મળશે. આ ઉપરાંત યુવાનોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ વધશે અને તેઓ હકારાત્મક દિશામાં આગળ વધશે. વિજેતા ખેલાડીઓ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાઓને પ્રોત્સાહિત કરવા માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ ડીબીટી (DBT) / આરટીજીએસ (RTGS) દ્વારા પારદર્શક રીતે રોકડ પુરસ્કારોનું વિતરણ પણ કરવામાં આવશે.
ખેલમહાકુંભનું આયોજન ગુજરાતના યુવાનોને માત્ર શારીરિક રીતે સક્ષમ જ નહીં, પરંતુ ભવિષ્યના રાષ્ટ્રીય અને વૈશ્વિક વિજેતાઓ તરીકે તૈયાર કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આ પણ વાંચો: Ishan Kishanએ વિરાટ કોહલીનો તોડ્યો રેકોર્ડ, T20માં 1 વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો





