Ind Vs NZ: ન્યૂઝીલેન્ડમાં 58 વર્ષમાં ભારતે માત્ર 2 ટેસ્ટ સિરીઝ જીતી, કેપ્ટન શુભમન ગિલ સામે મોટો પડકાર

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડમાં ભારતે 58 વર્ષમાં માત્ર બે ટેસ્ટ સિરીઝ જીતી છે. હવે શુભમન ગિલની ટીમ સામે જૂનો રેકોર્ડ સુધારવાનો મોટો પડકાર છે.
Nancy Shukal
Nancy Shukal
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડમાં કેવો છે ભારતનો ટેસ્ટ રેકોર્ડ?Ind Vs NZ: ન્યૂઝીલેન્ડમાં કેવો છે ભારતનો ટેસ્ટ રેકોર્ડ?

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડમાં કેવો છે ભારતનો ટેસ્ટ રેકોર્ડ?

Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 અને વનડે સિરીઝ બાદ હવે ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ 19 નવેમ્બરથી શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચ વેલિંગ્ટનના ઐતિહાસિક બેસિન રિઝર્વ મેદાન પર રમાશે.

આ પ્રવાસમાં ભારતીય ટીમ વનડે અને T20 સિરીઝ જીતવામાં સફળ રહી છે, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતનો રેકોર્ડ ખાસ પ્રભાવશાળી રહ્યો નથી. આવી સ્થિતિમાં કેપ્ટન શુભમન ગિલ સામે મોટો પડકાર રહેશે.

WTC પોઈન્ટ્સ ટેબલમાં ન્યૂઝીલેન્ડ નંબર-1

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ની પોઈન્ટ્સ ટેબલમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાને છે. ટોમ લાથમની આગેવાની હેઠળની કિવી ટીમ ઘરઆંગણે ભારત સામે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા મેદાનમાં ઉતરશે. ન્યૂઝીલેન્ડે ભારત સામે ઘરઆંગણે અને વિદેશમાં રમાયેલી છેલ્લી ત્રણેય ટેસ્ટ મેચ જીતી છે.

ન્યૂઝીલેન્ડે આ ટેસ્ટ સિરીઝ માટે મજબૂત ટીમની પસંદગી કરી છે. બીજી તરફ ભારતીય ટીમમાં સામેલ 16 ખેલાડીઓમાંથી માત્ર ત્રણ ખેલાડીઓને જ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ મેચ રમવાનો અનુભવ છે. આ બાબત પણ ભારતીય ટીમ માટે પડકારરૂપ બની શકે છે.

58 વર્ષમાં ભારતે માત્ર 2 ટેસ્ટ સિરીઝ જીતી

ભારતીય ટીમે વર્ષ 1968ની શરૂઆતમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી ભારતે ત્યાં કુલ 10 ટેસ્ટ સિરીઝ રમી છે, જેમાંથી માત્ર 2 સિરીઝ જીતવામાં સફળતા મળી છે.

ભારતે પ્રથમ પ્રવાસમાં જ નવાબ મન્સૂર અલી ખાન પટૌડીની કેપ્ટનશીપ હેઠળ 4 મેચની ટેસ્ટ સિરીઝ 3-1થી જીતીને ઇતિહાસ રચ્યો હતો. પરંતુ ત્યારબાદ બીજી ટેસ્ટ સિરીઝ જીતવા માટે ભારતે 41 વર્ષ સુધી રાહ જોવી પડી હતી. વર્ષ 2009માં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ભારતીય ટીમે બીજી વખત ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. આ બંને સફળતા વચ્ચે કેટલીક સિરીઝ ડ્રો રહી હતી, જ્યારે 6 સિરીઝમાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી હતી.

ન્યૂઝીલેન્ડમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ ખરાબ

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ધરતી પર અત્યાર સુધી કુલ 25 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી માત્ર 5 મેચમાં જીત મેળવી છે. ખાસ વાત એ છે કે આ 5 માંથી 3 જીત ભારતે પોતાના પ્રથમ પ્રવાસ દરમિયાન જ મેળવી હતી.

આ સદીમાં ભારતે ન્યૂઝીલેન્ડમાં કુલ 9 ટેસ્ટ મેચ રમી છે. તેમાંથી માત્ર 1 મેચમાં જીત મળી છે, જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને 3 મેચ ડ્રો રહી છે.

આ સિવાય ન્યૂઝીલેન્ડના છેલ્લા ટેસ્ટ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. હવે શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ટીમ માટે જૂના રેકોર્ડને સુધારવાની સાથે ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો મોટો પડકાર રહેશે.

આ પણ વાંચો: Shreyas Iyer: 'અમે માણસ છીએ, મશીન નહીં'... ગૌતમ ગંભીરની કોમેન્ટ પર શ્રેયસ ઐયરનો જવાબ, બેટ્સમેનનો કર્યો બચાવ